ભારતના ઓડિશામાં પાટનગર ભૂવનેશ્વરમાં રમાઈ રહેલી જુનિયર વર્લ્ડ કપ હોકી સ્પર્ધામાં ભારત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયું છે, તો પાકિસ્તાન અને અમેરિકા સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા.
રવિવારે રમાયેલી છેલ્લી લીગ મેચમાં આર્જેન્ટીનાએ પુલ ‘ડી’માં રસાકસીભર્યા જંગમાં પાકિસ્તાનને 4-3થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ત્રણ લીગ મેચમાંથી બેમાં વિજય સાથે આર્જેન્ટીનાએ બેમાં વિજય સાથે છ પોઈન્ટ મેળવ્યા હતા અને તે બીજા ક્રમે રહ્યું હતું. હવે તેનો મુકાબલો પુલ ‘સી’ ની ટોપર નેધરલેન્ડ્સ સાથે થશે.
પુલ ‘ડી’માં પ્રથમ ક્રમે રહેલી જર્મનીની ટીમે ઈજીપ્તને છેલ્લા મુકાબલામાં 11-0થી આસાનીથી હરાવી હતી. હવે તેનો જંગ પુલ ‘સી’ ની બીજા ક્રમની ટીમ સ્પેઈન સામે રહેશે. બાકીની બે ક્વાર્ટર ફાઈનલ્સમાં ભારતનો બેલ્જિયમ અને ફ્રાન્સનો મલેશિયા સામે મુકાબલો થશે. આ ચારે ય મેચ બુધવારે (1 ડીસેમ્બર) રમાશે.
ભારતનો તેની પહેલી મેચમાં ફ્રાન્સ સામે 4-5થી પરાજય થયો હતો, પણ એ પછી તેણે કેનેડાને 13-1ના જંગી માર્જીનથી તથા પછી પોલેન્ડને 8-2થી હરાવી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
પાકિસ્તાન તેની ત્રણ ગ્રુપ મેચમાંથી ઈજીપ્ત સામેની ફક્ત એક મેચમાં વિજય મેળવી શક્યું હતું, બાકીની બે મેચમાં તે જર્મની અને આર્જેન્ટીના સામે હારી ગયું હતું.
કુલ 16 ટીમો મેદાનમાં હતી, જેમાંથી 8 બુધવારે ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં જંગમાં ઉતરશે, તો પાકિસ્તાન, ઈજીપ્ત, અમેરિકા, સાઉથ કોરીઆ, કેનેડા, પોલેન્ડ, ચીલી અને સાઉથ આફ્રિકા લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયા હતા.