સંયુક્ત રાષ્ટ્રોની હવામાન એજન્સી વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના અહેવાલ મુજબ વિતેલો જુલાઈ મહિનો પૃથ્વીના ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો. છેલ્લાં ત્રણ સપ્તાહ સતત સૌથી ગરમ રહ્યા હતા અને અસહ્ય આગ વરસી હતી. હજુ તો ગયા મહિને જ જૂન માસ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો જાહેર કરાયો હતો. એક જ મહિનામાં ગરમીનો નવો વિક્રમ બનતા સંયુક્ત રાષ્ટ્રો ચિંતા વ્યક્ત કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રોના વડા એન્ટોનિયો ગ્યુટેરેસે આ સમયને નવું નામ આપ્યું હતું. તેમણે કહ્યું હતુંઃ ગ્લોબલ વૉર્મિંગ હવે જૂની વાત થઈ ગઈ, દુનિયામાં હવે ગ્લોબલ બોઈલિંગનો નવો યુગ શરૂ થયો છે. ગરમીની આ તો માત્ર શરૂઆત છે. વર્ષ દર વર્ષ સ્થિતિ વધુને વધુ ખતરનાક બનતી જશે.
ભારત સહિત અમેરિકા, યુરોપ અને દુનિયાના અનેક દેશોમાં તાપમાન સરેરાશ કરતાં ઘણું ઉંચુ જઈ રહ્યું છે. વિશ્વના અનેક દેશોમાં ભીષણ ગરમીને લીધે મૃત્યુદર વધ્યો છે. કેટલાયને બિમાર થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. યુરોપ, ઉત્તર અમેરિકા અને ચીનમાં ‘લૂ’ વરસે છે. વર્લ્ડ મીટીરીયોલોજિકલ ઓર્ગેનાઇઝેશને તેમજ યુરોપીય સંઘની કલાઈમેન્ટ ચેન્જ સર્વિસે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ જુલાઈના પહેલા ૨૩ દિવસમાં જ પૃથ્વીનું સરેરાશ ઉષ્ણતામાન ૧૬.૯૫ ડીગ્રી સેલ્સિયસ રહ્યું. ૧૬-૬૩ ડીગ્રીનો જૂનો રેકોર્ડ તેથી તૂટી ગયો. આ પહેલાં ૨૦૧૯નો જુલાઈ માસ અત્યાર સુધીનો સૌથી ગરમ જુલાઈ મહિનો હતો. ઉત્તર-પશ્ચિમ ચીનના એક વિસ્તારમાં ઉષ્ણતામાન ૫૨.૨ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેણે અગાઉના તમામ વિક્રમો તોડી નાખ્યા છે.
વૃક્ષોની છાલ, પહાડો અને સમુદ્ર તટો પરની ‘ખંડીય છાજલી’ જેવા વિભિન્ન સ્રોતો ઉપરથી ડેટા મેળવી વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા છે કે, આ જુલાઈમાં સરેરાશ વૈશ્વિક ઉષ્ણતામાન જુલાઈ, ૨૦૧૯ની તુલનામાં ઓછામાં ઓછું ૦.૨ ડીગ્રી સેલ્સિયસ વધ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે ન્યૂયોર્કમાં જણાવ્યું હતું કે, જુલાઈ ૨૦૨૩માં ઉષ્ણતામાનના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આના પગલે મૃત્યુદર પણ વધવા સંભવ છે. અત્યંત ગરમીને લીધે ભૂમધ્ય સમુદ્રના અનેક વિસ્તારોમાં જંગલોમાં આગ પ્રસરી છે.
વૈશ્વિક ઉષ્ણતામાન વધતાં સમુદ્ર જળનું પણ ઉષ્ણતામાન વધ્યું છે. વિજ્ઞાાનીઓ જણાવે છે કે ‘અલ-નિનો’ પ્રવાહ પણ આ ઉષ્ણતામાન વૃદ્ધિને લીધે પ્રસર્યો છે. પેસિફિક, એટલાંટિક અને હિન્દ મહાસાગરનાં ઉષ્ણતામાન તો વધ્યાં જ છે પરંતુ આર્કટિક અને એન્ટાર્કટિક ઓશન્સના ઉષ્ણતામાન પણ વધ્યાં છે. બંને ધ્રુવો ઉપરનો બરફ ઓગળી રહ્યો છે. બીજી તરફ ફલોરિડાથી શરૂ કરી પશ્ચિમ-ઓસ્ટ્રેલિયા સુધીના પટમાં સમુદ્ર જળનું ઉષ્ણતામન પ્રમાણમાં ઘણું વધ્યું છે. અંદાજ તો એવોય છે કે ૨૦૨૩ના જુલાઈ માસમાં ગરમીનો ૧,૨૦,૦૦૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે.