દિલ્હી હાઇ કોર્ટે બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાની દેશમાં 5G નેટવર્કની સ્થાપના વિરુદ્ધની અરજીને શુક્રવારે ફગાવી દીધી હતી અને આકરી ભાષામાં ટિપ્પણી કરી હતી કે આ અરજી પબ્લિલિટી માટે કરવામાં આવી છે.
કોર્ટે જણાવ્યું હતું કે અરજીને રદ કરવામાં આવે છે. અરજદારોએ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે. અરજદારો પર રૂ.20 લાખનો ખર્ચ લાદવામાં આવે છે. જુહી ચાવલા અને બીજા અરજદારોને આ રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પૂરી અરજી લીગલ સલાહ પર આધારિત હતી, જેમાં કોઈ તથ્ય મૂકવામાં આવ્યા નહોતા. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો છે. આ એ વાતથી સ્પષ્ટ થાય છે કે તેમણે કોર્ટની કાર્યવાહીની વીડિયો લિંક ચાહકો સાથે શૅર કરી હતી. તેનાથી કોર્ટની ઓનલાઇન સુનાવણીમાં જુહી ચાવલાનો એક ચાહક બિનસત્તાવાર રીતે જોડાઈ ગયો હતો અને તેની ફિલ્મના ગીતો ગાયા હતા. કોર્ટ આ વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.