જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે ગાંધીનગર ખાતેની એક સોસાયટીમાં ફ્લેટ ખરીદવામાં તેમની સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ થયો હોવાનો દાવો કર્યો હતો.
ગિફ્ટી સિટી કામ કરતાં કેજરીવાલે સંખ્યાબંધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સમાજ તેમની જાતિના કારણે તેમના પ્રવેશ પર રોક લગાવી રહ્યો છે. લગભગ 30 લોકો ભેગા થઈને તેમને ધમકાવ્યાં હતા અને ફ્લેટ ખરીદવા સામે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરની સંત વિહાર 1 સોસાયટીમાં જ્ઞાતિ ભેદભાવનો સામનો કરીને આઘાત લાગ્યો. ફ્લેટ ખરીદવાનો મારો પ્રયાસ દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયો કારણ કે સોસાયટીનું સંચાલન જ્ઞાતિના કારણે મારી એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. મોટી એડવાન્સ ચૂકવ્યા પછી વેચાણ ખતને આખરી ઓપ આપવાનું આયોજન ચાલી રહ્યું હતું. પરંતુ સોસાયટીમાંથી એનઓસી મળ્યું ન હતું. જેનાથી મને ખતરાની ઘંટડીનો આભાસ તો થયો હતો, પરંતુ મામલો આટલો ગંભીર છે તેનાથી હું વાકેફ નહોતો.
તેમણે જણાવ્યું કે મને સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કે હું અન્ય જાતિનો હોવાથી મને અહીં ઘર નહીં ફાળવાય. તેઓ મને અહીં રહેવાની પરવાનગી નહીં આપે. આ ઘટનાને કારણે મને ઘેરો આઘાત લાગ્યો છે.