ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના કાર્યકાળને લંબાવીને આગામી વર્ષના જૂન સુધી કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાની મુદત જાન્યુઆરીમાં પૂરી થતી હતી, પરંતુ હવે તેમને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું છે.
પાર્ટીના વરિષ્ઠ વ્યૂહરચનાકાર અમિત શાહે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે આ જાહેરાત કરી હતી. અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીએ સર્વાનુમતે પક્ષ પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ નડ્ડાના વડપણ હેઠળ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી 2019 કરતા મોટા જનાદેશ સાથે જીતશે.
અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપે જે પી નડ્ડાના નેતૃત્વમાં ઘણા રાજ્યોની ચૂંટણીઓ જીતી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પક્ષ 2024માં 2019 કરતાં વધુ મોટો જનાદેશ હાંસલ કરશે. સંગઠનનો વિસ્તાર વધારવામાં જે.પી.નડ્ડાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આગામી 2024ની લોકસભા ચૂંટણી તેમના નેતૃત્વ હેઠળ જ લડવામાં આવશે.