વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતે ભારતની મુલાકાતે જવાના છે અને તે મુલાકાતનો હેતુ બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી અલગ થયા પછીના સંજોગોમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ભારત-પ્રશાંત વિસ્તારમાં દેશ માટે રહેલી તકોનો ઉપયોગ કરવાનો છે. ડાઉનિંગ સ્ટ્રીટે કરેલી જાહેરાત મુજબ બ્રિટન ઈયુમાંથી અલગ થયા પછીનો બોરિસનો આ પહેલો મહત્ત્વનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ છે.
બોરિસ જોન્સનનો અસલ કાર્યક્રમ તો ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી જાન્યુઆરીમાં ત્યાં જવાનો હતો, પણ દેશમાં કોવિડ-19ની સ્થિતિ વધુ ગંભીર બની જતાં તે વખતે પ્રવાસ મુલતવી રખાયો હતો. પણ હવે, બ્રિટનના વ્યાપક ગ્લોબલ એજન્ડાને અનુરૂપ, સરકારે કરેલી ડીફેન્સ, સીક્યુરીટી, વિકાસ તથા વિદેશ નીતિની સંકલિત સમીક્ષાના નિષ્કર્ષ ઉપર જોન્સન સરકાર અમલ કરી રહી છે, તેના એક ભાગરૂપે આ મુલાકાતનું આયોજન થયું છે.
ભારત આસિયાન આર્થિક સંઘ (ASEAN ઈકોનોમિક યુનિયન) નું સેકટોરલ ડાયલોગ પાર્ટનર છે અને યુકે પણ તેના પાર્ટનરના દરજ્જા માટે અરજી કરવાનું છે. આ વિસ્તારમાં નાટોના સાથી દળોના સહયોગમાં પહેલીવાર બ્રિટિશ નૌસેનાનું વિમાનવાહક યુદ્ધ જહાજ ક્વીન એલિઝાબેથ પહેલીવાર તહેનાત થશે.
ડાઉનિંગ સ્ટ્રીટે કરેલી જાહેરાત મુજબ બોરિસ જોન્સનની મુલાકાતથી આ પ્રદેશમાં રહેલી તકો બ્રિટન માટે ખુલશે. આ મુલાકાત દરમિયાન ભારત – યુકે એન્હાન્સ્ડ ટ્રેટ પાર્ટનરશિપ (વધુ ઉચ્ચ સ્તરીય વ્યાપાર ભાગીદારી – ઈટીપી) ને આખરી ઓપ અપાય તેવી ધારણા છે અને ભવિષ્યમાં બન્ને દેશો વચ્ચેના મુક્ત વેપાર કરાર (એફટીએ) માટેનો તે પાયો બની રહેશે.
વડાપ્રધાનની મુલાકાતની પૂર્વતૈયારીઓ માટે તેમજ ઈટીપીની ભૂમિકા તૈયાર કરવાના ધ્યેય સાથે યુકેની ફોરેન, કોમનવેલ્થ તેમજ ડેવલપમેન્ટ ઓફિસમાં સાઉથ એશિયા માટેના મિનિસ્ટર લોર્ડ તારિક એહમદ હાલમાં ભારતમાં જ છે.