બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન શાંતિ અને સમૃદ્ધિ માટે બે દેશોની ભાગીદારીને આગળ વધારવા આ સપ્તાહે 21 અને 22મી એપ્રિલે ભારતની મુલાકાતે જવાના છે. તેઓ પહેલા ગુજરાત જશે અને પછી નવી દિલ્હીની મુલાકાત લેશે. યુકેના ઇન્ડો-પેસિફિક ઝુકાવના ભાગરૂપે યોજાયેલી આ મુલાકાતથી યુકેના બિઝનેસીસ, નોકરીઓ અને વૃદ્ધિને ટેકો આપતા, મોટા નવા રોકાણ સોદા થાય તેવી અપેક્ષા છે. ભારતના વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં સમાન વૈશ્વિક પડકારોનો સામનો કરવા આર્થિક, સંરક્ષણ, સુરક્ષા અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે.
ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જણાવાયું હતું કે ‘’વૈશ્વિક આર્થિક પડકારો અને નિરંકુશ દેશોના જોખમોનો સામનો કરવા માટે, સાથી અગ્રણી લોકશાહી દેશ સાથે શાંતિ અને સમૃદ્ધિ માટે, અમારી લાંબા ગાળાની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા વડા પ્રધાન આ અઠવાડિયે ભારતની મુલાકાત લેનાર છે.’’
આ મુલાકાતના ભાગરૂપે જૉન્સન ગુરુવારે 21મી એપ્રિલે અમદાવાદમાં અગ્રણી ઉદ્યોગપતિઓને મળીને યુકે અને ભારતના સમૃદ્ધ વાણિજ્ય, વેપાર અને લોકોના સંબંધો અંગે ચર્ચા કરશે. ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય અને યુકેમાં વસતા બ્રિટિશ-ભારતીયો ડાયાસ્પોરામાં લગભગ અડધી સંખ્યા ધરાવતા ગુજરાતીઓનું ઘર ગુજરાત છે. બોરિસ જૉન્સન વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભારતની મુલાકાતે જઈ રહ્યા છે. આ અગાઉ તેમની મુલાકાતો બે વખત કોવિડ રોગચાળાના કારણે રદ કરાઇ હતી.
વડા પ્રધાન જૉન્સન શુક્રવારે 22 એપ્રિલે ભારતના વડા પ્રધાન મોદીને મળવા નવી દિલ્હી જશે. ત્યાં બન્ને નેતાઓ યુકે અને ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે, જેનો ઉદ્દેશ્ય બન્ને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીને મજબૂત બનાવવાનો અને ઈન્ડો-પેસિફિક દેશોમાં સુરક્ષા સહકારને આગળ વધારવાનો છે.
ગુજરાતમાં, વડાપ્રધાન જૉન્સન યુકે અને ભારતના મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેથી યુકેમાં ઘરઆંગણે નોકરીઓ અને વિકાસને વેગ મળશે, તેમજ અત્યાધુનિક વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજી પર નવા સહયોગની જાહેરાત કરાશે.
વડા પ્રધાન જૉન્સન આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટોમાં પ્રગતિને આગળ ધપાવવા માટે આ મુલાકાતનો ઉપયોગ કરશે. ભારત સાથેના કરારોથી 2035 સુધીમાં યુકેના કુલ વેપારને વાર્ષિક £28 બિલિયન સુધી વધારવાની અને સમગ્ર યુકેમાં આવકમાં £3 બિલિયન સુધીનો વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે.
મુલાકાત અંગે વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે ‘’જ્યારે આપણે નિરંકુશ દેશો તરફથી આપણી શાંતિ અને સમૃદ્ધિ માટેના જોખમોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે લોકશાહી ધરાવતા મિત્રો અને દેશો એક સાથે રહે તે મહત્વનું છે. ભારત એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, આ અનિશ્ચિત સમયમાં યુકે માટે અત્યંત મૂલ્યવાન વ્યૂહાત્મક ભાગીદાર છે.’’