બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન આ મહિનાના અંતમાં ભારતના પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની મુલાકાત દરમિયાન ઇન્ડિયા-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે દ્વિપક્ષી ચર્ચાને મજબૂત કરવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરાશે. ગત વર્ષે કોવિડ મહામારીને કારણે જોન્સનને બે વખત ભારતની મુલાકાત રદ્ કરવાની ફરજ પડી હતી. હવે તેઓ 22 એપ્રિલની આસપાસ ભારત જાય તેવી સંભાવના છે.
ડાઉનિંગ સ્ટ્રીટ તરફથી આ મુલાકાત અંગે કોઇ વિગત આપવામાં આવી નથી. ગત મહિને બંને દેશોના વડા પ્રધાને ફોન પર વિવિધ મુદ્દે વ્યક્તિગત ચર્ચા કરી હતી. 22 માર્ચના રોજ ટેલિફોનિક ચર્ચા પછી ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત-યુકેના મજબૂત અને સમૃદ્ધ સંબંધોને બંને વડા પ્રધાનોએ આવકાર્યા છે, અને તેઓ આગામી સમયમાં વેપાર અને સુરક્ષા અંગેના સંબંધો વિકસાવવા સહમત થયા છે. તે બંને શક્ય હોય તેટલું ઝડપથી રૂબરૂ મળવા આતુર છે.
તાજેતરમાં ડ્રાઉનિંગ સ્ટ્રીટ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, જોન્સન ભારત જઇને વડા પ્રધાન મોદી સાથે ચર્ચા કરવા માટે આતુર છે. આ બંને નેતાઓની મુલાકાત ગત વર્ષે નવેમ્બર ગ્લાસગોમાં આયોજિત કોપ26 ક્લાઇમેટ સમિટ દરમિયાન થઇ હતી.આ બંને વડા પ્રધાનોની મુલાકાત દરમિયાન ભારત અને યુકેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ત્રીજા તબક્કાની ચર્ચાનું આયોજન થાય તેવી સંભાવના છે.