વડા પ્રધાનના કાર્યાલય નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી પાર્ટીઓ અંગે વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેએ ડાઉનિંગ સ્ટ્રીટમાં નિયમ ભંગ બદલ “નેતૃત્વની નિષ્ફળતા”ને જવાબદાર ઠેરવતા વડા પ્રધાન બોરિસ જૉન્સન પરની મુશ્કેલીઓ વધી ગઇ છે. આ અહેવાલને કારણે ઉદ્ભવેલા રાજકીય અને જાહેર ગુસ્સાએ જૉન્સનનું નેતા તરીકેનું સ્થાન જોખમમાં મૂક્યું છે. પરંતુ સ્કોટલેન્ડ યાર્ડે સ્યુ ગ્રેને તેણીનો અહેવાલ સંપૂર્ણ પ્રકાશિત ન કરવાની વિનંતી કરતાં સ્યુ ગ્રેને એક અલગ પોલીસ તપાસને કારણે તમામ ઘટનાઓની વિગતોમાં ન જવાની ફરજ પડી છે. જેના કારણે જૉન્સનને થોડી શ્વાસ લેવાની જગ્યા મળી હતી.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે બોરિસ જૉન્સનને રાજીનામુ આપવા દબાણ કર્યું છે. બીજી તરફ જૉન્સને સોમવારે ટોરી સાંસદોને તેમની પ્રીમિયરશિપ વિશે ખાતરી આપવા અને નંબર 10માં ફેરફારનું વચન આપવા માટે મળ્યા હતા. પૂર્વ વડા પ્રધાન થેરેસા મે વડા પ્રધાન સામે ટોરી સાંસદોના ગુસ્સાનું નેતૃત્વ કરવા હવે ખૂલીને બહાર આવ્યા છે.
વડા પ્રધાન બોરિસ જૉન્સને સોમવારે તા. 31ના રોજ તેમની ઓફિસમાં લોકડાઉન-ભંગ કરતી પાર્ટીઓને મંજૂરી આપવામાં “લીડરશીપ અને જજમેન્ટની નિષ્ફળતા” માટે તેમની સરકારની ટીકા કરાયા બાદ માફી માંગી હતી. હાલના તબક્કે તો તાંતણા પર લટકી રહેલા સરકારને ગયા અઠવાડિયે પોલીસે તપાસમાં દરમિયાનગીરી કરતાં જીવનરેખા મળી છે.
જૉન્સને સંસદમાં એમપીઓને કહ્યું હતું કે “હું જે બાબતોને યોગ્ય રીતે સમજી શક્યો નથી તેના માટે દિલગીર છું અને આ બાબતને જે રીતે હેન્ડલ કરવામાં આવી છે તેના માટે પણ હું દિલગીર છું. મને તે સમજાયું છે અને હું તેને ઠીક કરીશ.”
તેમણે વ્યાપક રાજકીય અને જાહેર ગુસ્સો હોવા છતાં પોતાની “નોકરી ચાલુ રાખવા”ની પ્રતિજ્ઞા લીધી હતી અને ડાઉનિંગ સ્ટ્રીટ ઓપરેશનમાં વ્યાપક ફેરફારોનું વચન આપ્યું હતું.સંખ્યાબંધ સાંસદોએ કહ્યું છે કે તેઓ પીએમના નેતૃત્વ અંગે નિર્ણય લેવા માટે શ્રીમતી ગ્રેના સંપૂર્ણ અહેવાલની રાહ જોઈ રહ્યા છે. પરંતુ મંગળવારની સવારની કેબિનેટની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. જૉન્સનના પ્રવક્તાએ કહ્યું હતું કે મિનિસ્ટર્સ “યુક્રેનની પરિસ્થિતિ અને સ્તરીકરણની સ્થાનિક પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે”.
નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબે પોતાના નેતાનો બચાવ કરતા બીબીસી રેડિયો 4 ના ટુડે પ્રોગ્રામમાં કહ્યું હતું”વડા પ્રધાને પોતાની એકંદર જવાબદારી માટે પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને તેઓ નંબર 10ને ઠીક કરવાની યોજના ધરાવે છે. તપાસ ચાલુ હોવા છતાં સરકાર “પોતાનું કામ કરી રહી છે. વડા પ્રધાને એ ઓળખી કાઢ્યું છે, જેમ કે સ્યુ ગ્રેએ કહ્યું છે તેમ 10 ડાઉનીંગ સ્ટ્રીટમાં જેવા હોવા જોઈએ તેવા અપેક્ષિત ધોરણો નહોતા. વડા પ્રધાને તેની જવાબદારી લીધી છે અને તેમણે માફી માંગી કાર્યવાહીની યોજના ઘડી છે. આ માટે સરકાર પાસે એક યોજના છે. વડાપ્રધાન ખૂબ જ સ્પષ્ટ છે અને તેઓ હંમેશા સદ્ભાવનાથી કામ કરે છે.”
મેટ્રોપોલિટન પોલીસના અધિકારીઓ લોકડાઉન નિયમોના કથિત ભંગ માટે 12 ઘટનાઓની તપાસ કરી રહ્યા છે, જેમાં ત્રણ પાર્ટીઓમાં વડા પ્રધાને ખુદે કથિત રીતે હાજરી આપી હતી અને એક પાર્ટી તેમના ફ્લેટમાં યોજાઇ હતી. અહેવાલો મુજબ તેમના પત્ની કેરી જૉન્સને તેમના ડાઉનિંગ સ્ટ્રીટના ફ્લેટમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જો કે શ્રીમતી જૉન્સનના પ્રવક્તાએ અગાઉ તેને નકારી કાઢી હતી. પોલીસે ડાઉનીંગ સ્ટ્રીટની પાર્ટીઓ અંગે જેમની પાસેથી દંડ વસુલ કરશે તેમના નામ નહિં જાહેર કરવાની જાહેરાત કરતા વડા પ્રધાન સહિત પાર્ટીઓમાં હાજર સૌ કોઇના જીવમાં જીવ આવ્યો છે.
આ કેસમાં પોલીસ તપાસનો અર્થ એવો છે કે સ્કોટલેન્ડ યાર્ડની તપાસમાં પૂર્વગ્રહ ન થાય તે હેતુથી વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેને 2020 અને ગયા વર્ષે યોજાયેલી 16 ઇવેન્ટ્સના તપાસમાં વિગતવાર જવાનું ટાળવાની ફરજ પડી હતી.સોમવારે બહાર પડાયેલા 12 પાનાના આંશિક અહેવાલમાં, વરિષ્ઠ સિવિલ સર્વન્ટ શ્રીમતી ગ્રેએ જણાવ્યું હતું કે તેણી પોલીસ તપાસ દ્વારા “અત્યંત મર્યાદિત” રહી હતી અને તેથી “અર્થપૂર્ણ” અહેવાલ હજુ સુધી બહાર પાડી શકાયો નથી. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે કે પોલીસ તેમની પૂછપરછ પૂર્ણ કરી લે પછી તે નંબર 10માં લોકડાઉન પાર્ટીઓ પરનો અપડેટેડ રિપોર્ટ પ્રકાશિત કરશે. પરંતુ તેમ છતાં ગ્રેએ પોતાના હેવાલ દ્વારા વડા પ્રધાનની સત્તાને ડંખ મારતો ઠપકો આપ્યો હતો.
સોમવારે હાઉસ ઑફ કોમન્સમાં, કેટલાક બેકબેન્ચર્સે વડા પ્રધાન માટે સમર્થન વ્યક્ત કર્યું હતું જ્યારે અન્યોએ ઠપકો આપ્યો હતો.ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મેએ કોમન્સમાં વડા પ્રધાનની ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે શું તેમણે, તેમની સરકાર દ્વારા બનાવેલા કોવિડ નિયમો વાંચ્યા કે સમજ્યા છે ખરા. અથવા શું તેઓ માને છે કે તે નિયમો નંબર 10 પર લાગુ થતા નથી. ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન એન્ડ્ર્યુ મિશેલે કહ્યું હતું કે વડા પ્રધાનને હવે તેમનું સમર્થન નથી. આ એવી કટોકટી છે જે દૂર થવાની નથી અને પક્ષને ખૂબ જ મોટું નુકસાન કરી રહી છે. તે કન્ઝર્વેટિવ પાર્ટીનું ગઠબંધન તોડી નાખશે.”
સ્યુ ગ્રેના 12 પાનાના અહેવાલના તારણો
સ્યુ ગ્રેએ તેના 12 પાનાના અહેવાલમાં લખ્યું હતું કે, “નંબર 10 (ડાઉનિંગ સ્ટ્રીટ) અને કેબિનેટ ઑફિસના જુદા જુદા ભાગો દ્વારા જુદા જુદા સમયે નેતૃત્વ અને ચુકાદાની નિષ્ફળતાઓ જણાય છે. કેટલીક ઇવેન્ટ્સ થવા દેવી ન જોઈએ. અન્ય ઈવેન્ટ્સને તેની જેમ વિકસિત થવા દેવી જોઈએ નહીં.ગ્રેએ 70 થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અને ઇમેઇલ્સ, વોટ્સએપ અને ટેક્સ્ટ સંદેશાઓ, ફોટા અને ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવેશ અને બહાર નીકળવાના લોગની તપાસ કરી હતી. તેણીએ શોધી કાઢ્યું હતું કે સરકાર કોરોનાવાઇરસના ફેલાવા સામે લડવા માટે જાહેર જનતાની માંગણીઓને જોતાં, “આ પાર્ટીઓની આસપાસના કેટલાક વર્તનને ન્યાયી ઠેરવવું મુશ્કેલ છે”.
તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં “અતિશય” મદ્યપાનની નિંદા કરી હતી, તેમજ તાજેતરના વર્ષોમાં વડા પ્રધાનના કાર્યાલયના અનિશ્ચિત વિસ્તરણની નિંદા કરી હતી જેણે જવાબદારીની રેખાઓ અસ્પષ્ટ કરી હતી.
જૉન્સનના રાજીનામાની માંગ કરતા લેબર નેતા સર કેર સ્ટાર્મર
વડા પ્રધાન જૉન્સનના રાજીનામાની માંગ કરતા લેબર નેતા સર કેર સ્ટાર્મરે બીબીસી બ્રેકફાસ્ટને જણાવ્યું હતું કે શ્રી જૉન્સન પોતાની પ્રીમિયરશિપ બચાવવાનો પ્રયાસ કરીને વિચલિત થઈ ગયા હતા. વડા પ્રધાન પોતાનો બધો સમય તેમની ત્વચા બચાવવામાં ખર્ચી રહ્યા છે. એનર્જી બિલની ચર્ચા કરવા માટે ગયા અઠવાડિયે ચાન્સેલર સાથેની મીટિંગ રદ કરવામાં આવી હતી કારણ કે તેઓ પોતાની નોકરી બચાવવા માટે મીટિંગો કરી રહ્યા હતા.”
કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’જૉન્સનના પોતાના ફ્લેટમાંની એક સહિત 16માંથી 12 પાર્ટીઓ પોલીસ તપાસને આધિન છે તે “શરમજનક” છે. તેઓ શરમ વિનાના માણસ છે. તેમણે જૉન્સનના કન્ઝર્વેટિવ કેબિનેટ સાથીઓને વધુ ગેરવર્તણૂક, ઢાંકપિછોડો અને છેતરપિંડીનું સમર્થન કરવાને બદલે તેમને પદભ્રષ્ટ કરવા વિનંતી કરી હતી.