ડાઉનિંગ સ્ટ્રીટ અને સરકારી કચેરીઓમાં કોવિડ કાયદાનો ભંગ કરીને યોજાયેલી પાર્ટીઓના ઉઝરડા અને પાર્ટીગેટ કૌભાંડોના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વડા પ્રધાન બોરિસ જૉન્સન તેમના નેતૃત્વ સામે કન્ઝર્વેટિવ પાર્ટીના જ સાથી સંસદસભ્યો દ્વારા પાર્લામેન્ટમાં રજૂ કરાયેલા અવિશ્વાસના મતમાંથી પાતળી અને શરમજનક કહેવાય તેવી 63 મતની બહુમતી સાથે બચી ગયા છે. તા. 6 જૂનના રોજ સાંજે યોજાયેલા મતદાનમાં 211 સાંસદોએ વડા પ્રધાનની તરફેણમાં તેમજ 148 સાસંદોએ તેમની વિરુદ્ધમાં મત આપ્યા હતા. અવિશ્વાસના આ મત અને તેના પરિણામોએ જૉન્સનની સત્તાઓને નબળી પાડવા સાથે તેમની સામેના વિરોધ અને પક્ષમાં પ્રવર્તી રહેલી તિરાડોનો પર્દાફાશ પણ કર્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીના વર્તમાન નિયમો હેઠળ, જૉન્સન હવે ઓછામાં ઓછા 12 મહિના માટે બેકબેન્ચના પડકારોથી સુરક્ષિત છે.
સોમવારની રાત્રે યોજાયેલા અવિશ્વાસના મતમાંથી બચવા માટે ઉચ્ચ રાજકીય ડ્રામા અને અનેક અટકળો વચ્ચે મતદાન પહેલા 57 વર્ષીય જૉન્સને વિશ્વાસનો મત જીતાડવા માટે પક્ષના બેકબેન્ચર્સને પત્ર લખ્યો હતો અને ખાનગી રીતે વ્યક્તિગત વિનંતીઓ કરી હતી. જેને કારણે મતનું પરિણામ નિર્ણાયક રીતે તેમની તરફેણમાં આવ્યું હતું અને 41.2 ટકા વિરુદ્ધ મત સામે તેઓ 58.8 ટકા મત મેળવી અવિશ્વાસનો મત જીત્યા હતા. તેમના સમર્થકો જીત સાથે નિર્દેશ કરે છે કે તેમની પાસે તેમના પક્ષના બહુમતી સાસંદો – નેતાઓનું સમર્થન છે.
જૉન્સને અવિશ્વાસના મતદાન અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે “મને લાગે છે કે આ એક વિશ્વાસપાત્ર અને નિર્ણાયક પરિણામ છે. તેનો અર્થ એ છે કે સરકાર તરીકે આપણે આગળ વધી શકીએ છીએ અને બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ, જે મને લાગે છે કે લોકો માટે ખરેખર મહત્વની બાબત છે. મને તેનાથી ઘણો મોટો આદેશ મળ્યો છે. મારા પોતાના સંસદીય સાથીદારોએ 2019માં મત આપી મારા પર ભરોસો કર્યો હતો તેના કરતા વધારે લોકોએ આજે મને મત આપી પસંદ કર્યો છે.’’
મંગળવારે સવારે કેબિનેટની બેઠક પહેલાં બોલતા, જૉન્સને કહ્યું હતું કે ‘’આ એક એવી સરકાર છે જે આ દેશના લોકો જેની સૌથી વધુ કાળજી લે છે તે તેમને પહોંચાડે છે. આજે, હું આ પ્રાથમિકતાઓ પહોંચાડવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કરું છું. અમે સખત મહેનત કરતા બ્રિટિશ લોકોની પડખે છીએ, અને અમે આ કામ ચાલુ રાખવાના છીએ.’’
જૉન્સને ત્વરિત ચૂંટણીની સંભાવના પર ઠંડુ પાણી રેડતા કહ્યું હતું કે તેમને આ વિચારમાં ‘ચોક્કસપણે રસ નથી’.
ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજની રાત એ મહિનાઓની અટકળોનો અંત લાવવાની અને સરકારને એક લાઇન દોરવા અને લોકોની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાની મંજૂરી આપવાની તક છે. પીએમ સાંસદો સમક્ષ તેમનો કેસ રજૂ કરવાની તકનું સ્વાગત કરે છે અને તેમને યાદ અપાવશે કે જ્યારે તેઓ એક થાય છે અને મતદારો માટે મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”
આ અગાઉ ટોરી બેકબેન્ચ સાંસદોની 1922ની શક્તિશાળી સમિતિના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડીને અવિશ્વાસનો મત રજૂ કરાય તે માટે જરૂરી 54 પત્રો મળ્યા હતા.
23 જૂને બે મહત્વપૂર્ણ પેટાચૂંટણીઓના મતદાનને આ અવિશ્વાસ મતથી અસર પડશે. તેમાં જો મોટી હાર થશે તો તેને જૉન્સનના નેતૃત્વ સામે જાહેર લોકમત તરીકે લેવામાં આવી શકે છે. પક્ષ પર તેમની પકડ દેખીતી રીતે હચમચી જતા ટીકાકારો હજી પણ જૉન્સનના નેતૃત્વ અંગે ટિકા કરી રહ્યા છે.
ગયા મહિને વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેએ સરકારી કચેરીઓમાં લોકડાઉન પાર્ટીઓ અંગેનો તેમનો સત્તાવાર અહેવાલ પ્રકાશિત કર્યો ત્યારથી બેકબેન્ચનો ગુસ્સો વધ્યો છે.
બેકબેન્ચના બળવામાં ભૂતપૂર્વ ફોરેન અને હેલ્થ સેક્રેટરી જેરેમી હંટે આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તેમણે પક્ષને ગુપ્ત મતદાનમાં ફેરફાર કરવા માટે મત આપવા હાકલ કરી હતી. બેકબેન્ચર એન્ડ્રુ બ્રિજને, ટોરી બળવાખોર ટોબીઆસ એલવુડ પણ બળવાખોરોમાં મોખરે હતા.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’જૉન્સન તેઓ ધરાવે છે તે મહાન હોદ્દા માટે સંપૂર્ણપણે અયોગ્ય હતા. કન્ઝર્વેટિવ સરકાર હવે માને છે કે કાયદો તોડવો એ કાયદો બનાવવા માટે કોઈ અવરોધ નથી.’’ તેમણે ટોરી સાંસદો પર બ્રિટિશ જનતાની અવગણના કરવાનો આરોપ મૂક્યો હતો.