વડા પ્રધાન બોરિસ જૉન્સને તા. 6ને રવિવારે બપોરે યુક્રેઇનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી સાથે વાત કરી યુક્રેઇનને વધુ રક્ષણાત્મક શસ્ત્રો આપવાનું વચન આપ્યું હતું. તેમણે યુદ્ધવિરામ ભંગ માટે રશિયાને દોષી ઠેરવી જણાવ્યું હતું કે રશિયન સૈનિકો યુદ્ધ ગુનાઓ કરી રહ્યા છે.
બોરિસ જૉન્સને રશિયન આક્રમણકારો પર નાગરિકો પર “બર્બર હુમલાઓ” કરવાનો આરોપ મૂક્યો હતો. જૉન્સને યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી અને તેમના પત્ની સાથે યુક્રેનમાં બગડતી માનવતાવાદી પરિસ્થિતિની ચર્ચા કરી હતી.
જૉન્સને જણાવ્યું હતું કે ‘’રશિયન્સ સૈનિકો નાગરિકો માટે વધતો જતો ખતરો છે. મિસાઇલો દ્વારા રહેણાંક ટાવર બ્લોક્સને નિશાન બનાવાય છે.’’
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે તેમણે યુક્રેનના સૈન્યની “તાકીદની જરૂરિયાતો” પર ચર્ચા કરી હતી અને જૉન્સને વધુ રક્ષણાત્મક સાધનો પ્રદાન કરવા ભાગીદારો સાથે કામ કરવાનું હાથ ધર્યું હતું.
ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રાબે સ્વીકાર્યું હતું કે પુતિનને યુક્રેનને પરાજિત કરવામાં મહિનાઓ કે વર્ષો લાગી શકે છે. આ કટોકટી દિવસોમાં ઉકેલી શકાય તેમ નથી. નાટોએ રશિયન સૈન્યને પીછેહઠ કરવા દબાણ કરવાના પ્રયાસમાં “કેટલીક વ્યૂહાત્મક સહનશક્તિ બતાવવાની” જરૂર પડશે.
લેબર નેતા, સર કેર સ્ટાર્મરે, સંસદની ઇન્ટેલીજન્સ એન્ડ સિક્યુરીટી કમીટીના 2020ના “રશિયા રિપોર્ટ”માં સમાવિષ્ટ ચેતવણીઓ પર ધ્યાન આપવામાં નિષ્ફળ રહેવા બદલ મિનિસ્ટર્સને ચેતવણી આપી હતી. સરકાર આ બાબતે ધીમી ગતિએ જઈ રહી છે અને તેમણે આ મહિનાઓ પહેલા જોયું ન હતું તેથી હતાશ થયા હતા.