ભૂતપૂર્વ વડા પ્રધાન, બોરિસ જૉન્સને શુક્રવાર તા. 9ના રોજ સંસદ સભ્ય તરીકે રાજીનામું આપવાનો અચાનક નિર્ણય લઇ ટોરી પાર્ટી નેતાગીરી સામે બાંયો ચઢાવતા ટોરી પાર્ટી ભીંસમાં મૂકાઇ છે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં બોરીસ જૉન્સન બે-બે હાથે લડી લેવા માંગે છે. તો સામે પક્ષે જૉન્સને વડા પ્રધાન પદ છોડતા પહેલા પોતાના પિતા સહિત પાર્ટીગેટ કૌભાંડમાં સંડોવાયેલા મિત્રો અને મળતીયાઓને શિરપાવો આપ્યા તે મુદ્દે તેમને બદનામ કરી તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત કરી દેવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જૉન્સન, તેમના સમર્થક નાદીન ડોરિસનું રાજીનામુ અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના નિવેદનો આવતા વર્ષે આવી રહેલી સામાન્ય ચૂંટણી પહેલા શાસક કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઊંડુ વિભાજન અને ટોરી પાર્ટીમાં વિગ્રહને દોરશે એ ચોક્કસ છે.
સૂત્રોના કહેવા મુજબ પાર્ટીગેટ વિશે સાંસદો સાથે જૂઠું બોલવા બદલ હાઉસ ઓફ કોમન્સ વિશેષાધિકાર સમિતિ ઓછામાં ઓછા 10 દિવસ માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરશે તે જાણ્યા પછી જૉન્સને તરત જ સાંસદ તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ વડા પ્રધાન ઋષિ સુનક જૉન્સનનું ટોરી સાંસદ તરીકે પુનરાગમન અટકાવવા તૈયાર થયા છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં ઘણા નજીકના સાથીઓને મોકલવાના નિષ્ફળ પ્રયાસો અંગે પીએમ સુનક જોન્સન સાથે જાહેરમાં અથડામણમાં પણ ઉતર્યા હતા.
જૉન્સને પણ શાંતિથી જવાની યોજનાના ઓછા સંકેતો દર્શાવ્યા છે, તેમની છાવણીએ વડા પ્રધાન સુનક પર પૂર્વ ટોરી મિનિસ્ટર નાદિન ડોરીસ, નાઇજેલ એડમ્સ અને આલોક શર્માની લોર્ડ્ઝની વરણીને “ગુપ્તપણે અવરોધિત” હોવાનો આરોપ મૂક્યો છે.
બોરિસ જૉન્સનનું રાજીનામુ પાર્ટીગેટ કૌભાંડ સામે તપાસ કરી રહેલા લૉમેકર્સ સામે મજબૂત અને જુસ્સાદાર વિરોધ તરીકે જોવાઇ રહ્યું છે. ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટીઓ યોજીને કોવિડ-19 લોકડાઉન પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાના બનાવોમાં હાઉસ ઓફ કોમન્સને ગેરમાર્ગે દોરતી માહિતી પૂરી પાડવા બદલ જૉન્સન સામે સંસદીય તપાસ શરૂ થઇ હતી. આ તપાસ સમિતિનો એક ગોપનીય પત્ર મળ્યા બાદ જૉન્સને તપાસમાં જોડાયેલા નેતાઓને “કાંગારૂ કોર્ટ” જેવા હોવાનો અને તેમની રાજકીય કારકિર્દીનો અંત લાવવાનો સ્પષ્ટ ઈરાદો ધરાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
“પોલિટીકલ હિટ જોબ”નો સંસદીય સમિતિ પર આરોપ મૂકતા, જૉન્સને એક નિવેદનમાં કહ્યું હતું “મને થોડા મુઠ્ઠીભર લોકો દ્વારા દબાણ કરવામાં આવે છે જેમની પાસે સમર્થન માટે કોઈ પુરાવા નથી. બ્રેક્ઝિટનો બદલો લેવા અને આખરે 2016ના લોકમતના પરિણામને ઉલટાવવા આ વિચ હન્ટ ચાલી રહી છે. આવું વિચારનાર હું એકલો નથી. મને હટાવવો એ તેમનું પ્રથમ જરૂરી પગલું છે, અને હું માનું છું કે તે કરવા માટે એક નક્કર પ્રયાસ કરવામાં આવ્યો છે.”
જોન્સને સંકેત આપ્યો છે કે તેઓ રાજકારણમાં પાછા ફરી શકે છે અને તેમનું પ્રસ્થાન અસ્થાયી છે. જો કે, આ રાજીનામું તેમની 22-વર્ષની રાજકીય કારકિર્દીના નિષ્કર્ષને ચિહ્નિત કરી શકે છે. તેમણે સંસદના સભ્યથી લઇને લંડનના મેયર, વિવિધ મંત્રીપદ અને છેવટે વડા પ્રધાન સુધીની સેવા આપી છે. આ આરોપો હોવા છતાં, જ્હોન્સને જાળવી રાખ્યું હતું કે વિશેષાધિકાર સમિતિને તેમની વિરુદ્ધ “પુરાવાઓનો ટુકડો” મળ્યો નથી.
ટોરી સાંસદો “બ્લુ ઓન બ્લુ” ઇન-ફાઇટીંગથી નિરાશ થઈ ગયા છે અને તેમણે પક્ષ ગૃહયુદ્ધમાં ડૂબી જશે તેવી ધમકી આપી છે. તેમને ડર છે કે તેઓ કોસ્ટ ઓફ લિવિંગ કટોકટી અને વધતા ખર્ચ જેવા મુખ્ય મુદ્દાઓ કરતાં પોતાની આંતરિક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમ વિચારીને જનતા પક્ષને સાથ આપવાનું છોડી દેશે.
ભૂતપૂર્વ વડા પ્રધાન જૉન્સનની સન્માન સૂચિને લઈને સુનક અને જોન્સન વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું હતું. જેણે બે રાજકારણીઓ વચ્ચેના કડવા અને લાંબા સમયથી ચાલતા વિવાદને જાહેર કર્યો હતો. સુનકે જૉન્સન સામે આરોપ મૂક્યો હતો કે નજીકના સાથીદારો એવા ત્રણ ટોરી સાંસદોની હાઉસ ઓફ લોર્ડ્ઝમાં નિમણૂક કરવાની યોગ્ય પ્રક્રિયાને ઉથલાવવા માટે લોબિંગ કર્યું હતું. જો કે જૉન્સને તેમના દાવાઓને “કચરો” ગણાવી ફગાવી દીધા હતા. આ તકરારથી કન્ઝર્વેટિવ પાર્ટીમાં વ્યાપક અણબનાવો ઉભા થયા હતા અને સુનકની સત્તા પરની પકડની કસોટી કરે તેવી શ્રેણીબદ્ધ પેટાચૂંટણીઓ શરૂ થઈ હતી.
યુગોવ દ્વારા કરાયેલા મતદાનમાં જાણવા મળ્યું છે કે જૉન્સન સંસદમાં પાછા ફરે તે માટે જનતા બહુ ઉત્સુત નથી. માત્ર 25% લોકો ઇચ્છે છે કે ભવિષ્યમાં તેઓ પાર્લામેન્ટમાં પરત થાય. જેની સામે બહુમતી બ્રિટીશ લોકો એટલે કે 56 ટકા લોકો ઇચ્છતા નથી કે જૉન્સન સાંસદ તરીકે પાછા આવે. આ પાછળનું કારણ તેમની પાર્ટીગેટ કૌભાંડમાં સંડોવણી, ક્રોનિઝમ વિવાદો અને અસ્તવ્યસ્ત ગેરવહીવટ.