વિશ્વની સૌથી મોટી હેલ્થકેર પ્રોડ્ક્ટ કંપની જોન્સન એન્ડ જોન્સ અમેરિકાના 42 રાજ્યો અને વોશિંગ્ટન, ડીસીના આરોપોનું સમાધાન કરવા માટે રેકોર્ડ $700 મિલિયન ચૂકવવા સંમત છે. કંપની સામે આરોપ હતા કે તેને બેબી પાવડર સહિત તેની ટેલ્ક-આધારિત પ્રોડક્ટ્સની સલામતી વિશે ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા છે. આ પ્રોડક્ટ્સ કારણે કેન્સર થયું હોવાના દાવાઓની વ્યાપક તપાસ બાદ આ કરાર થયો હતો.
ટેલ્ક પ્રોડક્ટસમાં એસ્બેસ્ટોસ હોવાનો આરોપ છે. તેનાથી અંડાશયના કેન્સર અને મેસોથેલિયોની બિમારી આવતી હોવાનો આરોપ હતો. સેટલમેન્ટ થયું હોવા છતાં કંપનીએ કોઈ ગેરરીતિ સ્વીકારી નથી અને તેના ટેલ્ક ઉત્પાદનો સલામત અને એસ્બેસ્ટોસ-મુક્ત હોવાનું ભારપૂર્વક જણાવવાનું ચાલુ રાખ્યું હતું.
જોન્સન એન્ડ જોન્સને આખો મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો અને તેના કારણે દંડની રકમ તગડી થઈ હતી. કેલિફોર્નિયા સ્ટેટને 79 મિલિયન ડોલર અને ટેક્સાસને 61.5 મિલિયન ડોલરનું વળતર મળશે. આ ઉપરાંત ઓરેગોન સ્ટેટને કંપનીએ 15 મિલિયન ડોલર, નોર્થ કેરોલિનાને 27.3 મિલિયન ડોલર, ન્યૂ જર્સીને 30 મિલિયન ડોલર, મિશિગનને 20.6 મિલિયન ડોલર, ઈન્ડિયાનાને 18 મિલિયન ડોલર, ઈલિનોઈસને 29 મિલિયન ડોલર, જ્યોર્જિયાને 24.1 મિલિયન ડોલર ચૂકવાશે.
આ ઉપરાંત ફ્લોરિડાને 48 મિલિયન ડોલર, એરિઝોનાને 15.4 મિલિયન ડોલર, કોલોરાડોને 14.3 મિલિયન ડોલરનું વળતર જોન્સન એન્ડ જોન્સને ચૂકવવું પડશે. બાકીના રાજ્યોને પણ કંપની ત્રણ મિલિયન ડોલરથી લઈને તેનાથી વધુ વળતર ચૂકવશે. ટેલ્કમ પાઉડર એ જોન્સનની વિશ્વ વિખ્યાત પ્રોડક્ટ હતી. આ પ્રોડક્ટ જ ઘણા લોકો માટે કેન્સરનું કારણ બની છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકાયો છે અને વળતરનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
ફાર્માસ્યુટિકલ કંપનીએ 30 જુલાઈથી આ પેમેન્ટ શરૂ કરવું પડશે અને આગામી ચાર વર્ષની અંદર આ તમામ વળતરની ચૂકવણી થશે. અમેરિકામાં આ એક લેન્ડમાર્ક ચુકાદો ગણાય છે કારણ કે તમામ રાજ્યો અમેરિકન કંપના સામે કોર્ટમાં ગયા હતા. દુનિયાના બીજા દેશોમાં જોન્સન એન્ડ જોન્સનની પ્રોડ્કટ છુટથી વેચાય છે.