જૉન્સને તા. 21 થી 22 એપ્રિલની તેમની ભારત મુલાકાત પહેલાં જણાવ્યું હતું કે “જ્યારે આપણે નિરંકુશ રાજ્યો તરફથી આપણી શાંતિ અને સમૃદ્ધિ માટેના જોખમોનો સામનો કરીએ છીએ, ત્યારે લોકશાહી અને મિત્રો સાથે રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત, એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, આ અનિશ્ચિત સમયમાં યુકે માટે અત્યંત મૂલ્યવાન વ્યૂહાત્મક ભાગીદાર છે. મારી ભારતની મુલાકાત રોજગાર સર્જન અને આર્થિક વૃદ્ધિથી લઈને ઊર્જા સુરક્ષા અને સંરક્ષણ સુધીની બાબતોને અગ્રેસર બનાવશે જે આપણા બંને રાષ્ટ્રોના લોકોના માટે ખરેખર મહત્વની છે.’’
યુકેના વડા પ્રધાન તરીકે જોન્સનની આ પ્રથમ મુલાકાત દરમિયાન ગુરુવારે અમદાવાદમાં યુકે અને ભારત બંનેમાં મુખ્ય ઉદ્યોગોમાં રોકાણની જાહેરાતો થશે. ત્યારબાદ તેઓ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા નવી દિલ્હી જશે, જ્યાં ભારત-યુકે વ્યૂહાત્મક સંરક્ષણ અને રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
બંને પક્ષોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જૉન્સન આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) વાટાઘાટોમાં થયેલી પ્રગતિને આગળ વધારવા માટે તેમની ભારત મુલાકાતનો પણ ઉપયોગ કરશે.