વડા પ્રધાન બોરિસ જૉન્સન ભારતની મુલાકાત દરમિયાન તેમની ઘરેલું સમસ્યાઓને પાછળ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
જૂન 2020માં ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજેલી જન્મદિવસની પાર્ટી બાબતે લોકડાઉન નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યા બાદ તેમના રાજીનામાની માંગણી થઇ રહી છે. સાંસદો મંગળવારે તા. 19ના રોજ ઇસ્ટર હોલીડેઝ પરથી પરત થયા બાદ આ અંગે સંસદમાં અવાજ ઉઠાવે તેવી પૂરી શક્યતાઓ છે.
વિપક્ષ લેબરે દાવો કર્યો છે કે બોરિસ જૉન્સનની આગામી ભારત મુલાકાતને પાર્ટીગેટ કૌભાંડ જેવી ઘરેલું મુશ્કેલીઓથી વિચલિત કરવા માટે રચાયેલ “વેનિટી ટ્રીપ” તરીકે જોવામાં આવશે.
લેબરના ફ્રન્ટબેન્ચર અને શેડો ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી નિક થોમસ-સાયમન્ડ્સે જણાવ્યું હતું કે શ્રી જૉન્સને સપ્લાય ચેઇન્સમાં ક્લાયમેટ ચેન્જ અને શ્રમના ધોરણો અંગેની પ્રતિબદ્ધતાઓ સુરક્ષિત કરવી જોઈએ. અન્યથા, લોકો મુલાકાતને વડા પ્રધાનના કાયદાના ભંગ અને કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીનો સામનો કરવામાં નિષ્ફળ ગયા બાદ ધ્યાન ભટકાવવાની વેનિટી ટ્રીપ તરીકે જોશે.”