અમેરિકાની અગ્રણી હેલ્થકેર કંપની જોન્સન એન્ડ જોન્સનના પાઉડરથી કેન્સર થાય છે તેવા કંપની સામે 20 હજારથી વધારે કેસ ચાલે છે. એ પૈકી લગભગ 1 હજાર કેસમાં સમાધાન પેટે કંપની કુલ 100 મિલિયન ડોલરની રકમ ચૂકવવા તૈયાર છે. ભૂતકાળમાં પણ કંપનીએ આવા કેસમાં જંગી ડોલરનું વળતર ચૂકવ્યું છે. જોન્સન એન્ડ જોન્સન વિશ્વની સૌથી મોટી હેલ્થકેર પ્રોડક્ટ કંપની છે.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદમાં આવી છે. કંપની પર હજારો કેસ ચાલે છે અને મોટા ભાગના કેસમાં કંપનીની હાર થાય એવી પૂરી શક્યતા છે. એ સંજોગોને ધ્યાનમાં રાખીને કંપનીએ સામુહિક સમાધાનનો ઉપાય અજામાવ્યો છે. અમેરિકામાં આ કંપની વિરૂદ્ધ તપાસ થઈ છે અને તેના પાઉડરમાં હાનિકારક તત્ત્વો જણાઈ આવ્યા છે. એ પછી કંપનીએ અમેરિકા અને કેનેડામાં પાઉડરમાં વપરાતા મટિરિયિલમાં પણ ફેરફાર કરી નાખ્યો છે.
અમેરિકાના વકીલ માર્ક લાનિઅર 2018માં જોન્સન વિરૂદ્ધ કેસ કરીને 4.7 બિલિયન ડોલરનું વળતર જીતી ચૂક્યા છે. આ કેસમાં લાનિઅરે દલીલ કરી હતી કે કંપનીને ખબર હતી જ કે પાઉડરમાં કેન્સરકારક તત્ત્વો છે, છતાં કંપનીએ ગ્રાહકોને અંધારામાં રાખ્યા હતા.