બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે. જોન્સન 21 એપ્રિલથી બે દિવસની ભારત મુલાકાતે જશે અને આ પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી થશે, એમ ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું. તેઓ 22 એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળશે.
ભારતના પાંચમાં ક્રમના સૌથી મોટા રાજ્ય ગુજરાતની પસંદગીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે યુકેમાં કુલ બ્રિટિશ-ઇન્ડિયન ડાયાસ્પોરામાં અડધો અડધ વસતિ ગુજરાતી છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે ગુજરાતમાં વડાપ્રધાન યુકે અને ભારત બંનેમાં મહત્ત્વના ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરી શકે છે. તેઓ સાયન્સ, હેલ્થ અને ટેકનોલોજી જેવા નવા ક્ષેત્રમાં સહયોગની જાહેરાત કરી શકે છે.
ભારતની તેમની મુલાકાત દરમિયાન જોનસન આર્થિક, ઈન્ડો-પેસિફિક સંરક્ષણ, સુરક્ષા અને ટેકનિકી સહયોગના મુદ્દા પર ચર્ચા કરશે. બોરિસ જોન્સન વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવશે. ભારત યાત્રા પહેલાં જોન્સને રવિવારે કહ્યું હતું કે તેમની ભારતની મુલાકાત મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે જે બંને દેશોના લોકો માટે ઘણું અર્થપૂર્ણ છે. તેમાં રોજગાર સર્જન અને આર્થિક વિકાસથી લઈને ઉર્જા સુરક્ષા અને સંરક્ષણ સુધીના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ભારત પ્રવાસનું મહત્વ દર્શાવતા બોરિસ જોન્સને કહ્યું કે, આજે અમે અમુક નિરંકુશ દેશો તરફથી શાંતિ અને સમૃદ્ધિના જોખમનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે લોકતંત્ર ધરાવતા મિત્ર દેશો એકજૂથ રહે. નોંધનીય છે કે ગયા મહિને બ્રિટનના વિદેશ પ્રધાન લિઝ ટ્રસે ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે વેપાર મુખ્ય વિષયોમાંથી એક હતો. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ પર વાર્તાલાપ થઈ ચૂક્યો છે. બોરિસ જોન્સને કહ્યું હતું કે, રોજગાર અને આર્થિક વિકાસથી લઈને ઉર્જા સુરક્ષા અને રક્ષા બાબતે ભારત પ્રવાસ દરમિયાન વાત કરવામાં આવશે.