અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીનાં સત્તાવાર ઉમેદવાર નિયુક્ત થયેલા જો બિડેને જણાવ્યું હતુ કે ભારત સરકારે કાશ્મીરના તમામ લોકોનાં અધિકારોના પુનઃ સ્થાપન અંગે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. તેમણે ભારત સરકાર દ્વારા આસામમાં NRCનાં અમલ સામે તેમજ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
જો બિડેન ઓબામાના શાસનમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. જો બિડેને કહ્યું કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાં ત્યાંની લાંબાગાળાની સેક્યુલારિઝમની પરંપરા તેમજ બહુધાર્મિક સંપ્રદાયની લોકશાહી મુજબના નથી.હિન્દુ અમેરિકનોનું ગ્રૂપ તાજેતરમાં બિડેનની ચૂંટણી પ્રચાર ઝુંબેશના અધિકારીઓને મળ્યું હતું. જ્યાં તેમણે ભારત સામે વપરાતી ખરાબ ભાષાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની આ માનસિકતાને બદલવા અપીલ કરી હતી.
ગ્રૂપ દ્વારા હિન્દુ અમેરિકનો માટે પણ પોલિસી પેપર જાહેર કરવા માગણી કરાઈ હતી. બિડેને તેમની ચૂંટણી ઝુંબેશમાં બહુમતી મુસ્લિમ વસતી ધરાવતા દેશોમાં જે કંઈ થઈ રહ્યું છે તે સંદર્ભમાં મુસ્લિમ અમેરિકનોની લાગણીઓને વાચા આપી હતી. પણ આની સાથે સાથે ભારતનાં કાશ્મીર અને આસામમાં જે કંઈ થઈ રહ્યું છે તેને પણ પોલિસી પેપરમાં આવરી લેવાયું હતું.
બિડેનનાં ટેકેદાર અજય જૈન ભૂટોરિયાએ જણાવ્યું હતું કે બિડેન સારી રીતે જાણે છે કે ભારત ત્રાસવાદની સમસ્યાથી ઘેરાયેલું છે. ક્રોસ બોર્ડર ત્રાસવાદ, કાશ્મીરમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર, ચીન સાથે તંગદિલી તેમજ ભારત સાથે ગાઢ મૈત્રીનાં મુદ્દાથી સારી રીતે માહિતગાર છે.