ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે દ્વારકાના જગત મંદિરે રોશનીનો ઝળહળાટ સાથે જન્માષ્ઠમીની તૈયારી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીએ શણગાર સજ્યા હતા. આ વર્ષે શ્રાવણ મહિનાનો સોમવાર અને જન્માષ્ટમી બન્ને એક જ દિવસે એટલે ૩૦ ઓગષ્ટે આવતા હોય શિવભક્તિના સર્વોત્તમ દિવસ અને કૃષ્ણનો જન્મોત્સવ બન્ને એક દિવસે આવતા સૌરાષ્ટ્રના પૌરાણિક સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવ તથા દ્વારકા મંદિર બન્નેને વહેલી સવારથી રાત્રિ સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો હતો.
બન્ને સ્થળોનું જન્માષ્ટમી ઉત્સવનું જીવંત પ્રસારણ ફેસબૂક, ટીવીચેનલો, યુટયુબ પર કરાશે. દ્વારકા મંદિર ગયા વર્ષે કોરોના મહામારીના નિયંત્રણોને કારણે ભક્તો માટે બંધ રહ્યું હતું પરંતુ, આ વર્ષે કોરોના હળવો થતા ખુલ્લુ રહેતા દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંદિરમાં દર્શન માટે આવવા-જવાના માર્ગ અલગ અલગ કરાયા છે. ખાસ કંટ્રોલરૂમ સાથે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. દ્વારકા મંદિર ઉપરાંત ઈસકોન ગેઈટ, રબારી ગેઈટ, સરકારી કચેરીઓ, હોટલોને પણ અદભૂત રોશનીથી શણગારાઈ છે.
શ્રાવણ મહિનાના સોમવારને કારણે સોમનાથ મંદિર સવારે ૪થી ૬-૩૦, ૭-૩૦થી ૧૧-૩૦, બપોરે ૧૨-૩૦થી ૬-૩૦ અને રાત્રે ૭-૩૦થી ૧૦ સુધી ખુલ્લુ રહેશે જ્યારે સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ તથા શ્રી રામમંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ભીડભંજન મંદિર સવારે ૬થી રાત્રે ૯ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લા રહેશે, પરંતુ આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાશે નહીં.