લક્ઝરી કાર ગ્રૂપ જગુઆર લેન્ડ રોવલ (જેએલઆર) 2039 સુધી 100 ટકા ઇલેક્ટ્રિક બનશે. કંપનીએ સોમવાર, 16 ફેબ્રુઆરીએ આ અંગેની યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તે 2039 સુધીમાં કાર્બનનું ઝીરો ઉત્સર્જન કરશે.
પર્યાવરણલક્ષી વાહનો લોન્ચ કરવાની વૈશ્વિક સ્પર્ધાને પગલે ટાટા મોટર્સની માલિકીના આ ગ્રૂપે રિઇમેજિન નામની વ્યૂહરચના બનાવી છે.
જેએલઆરે જણાવ્યું હતું કે લેન્ડ રોવર આગામી પાંચ વર્ષમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિકલ હોય તેવા છ વેરિયન્ટ લોન્ચ કરશે. જગુઆરના ભાવિ મોડલ પણ પ્યોર ઇલેક્ટ્રિક બનાવવાનો પ્રયાસ કરશે. લેન્ડ રોવરનું પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ વેરિયન્ટ 2024માં લોન્ચ કરવામાં આવશે.
ગયા મહિને જનરલ મોટર્સ કંપનીએ જણાવ્યું હતું કે કંપનીી તમામ નવી કાર, એસયુવીી અને લાઇટ પિક-અપ ટ્રેક્સને 2025 સુધીમાં સંપૂર્ણપણે પર્યાવરણલક્ષી બનાવવા માગે છે. આમ અમેરિકાની આ સોથી મોટી ઓટો કંપની ગેસોલિન અને ડીઝલ એન્જિનના સંદર્ભમાં નાટકીય વળાંક લેશે. જેએલઆરે જણાવ્યું હતું કે 2030 સુધીમાં 100 ટકા જગુઆર કાર અને 60 ટકા લેન્ડ રોવર્સમાં ઝીરો ટેઇલપાઇપ પાવરટ્રેન્સ બની શકે છે.