તામિલનાડુના કોઈમ્બતુર શહેરમાં રહેતા અને હાલમાં બર્મિંગહામમાં રહીને એસ્ટન યુનિવર્સિટીમાં સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કરતા જિવંત શિવકુમાર નામના વિદ્યાર્થીનો મૃતદેહ બુધવારે વહેલી સવારે મેટ્રન્સ વોક, સેલી ઓક ખાતે વૉર્સ્ટર એન્ડ બર્મિંગહામ કેનાલમાંથી મળી આવ્યો હતો. બ્રિટનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનુ શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા વિદ્યાર્થીઓ ચિંતીત થઇ ઉઠ્યા છે.
કોઈમ્બતુરમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં બીઈની ડિગ્રી મેળવ્યા બાદ જિવંત ગત સપ્ટેમ્બર મહિનામાં માસ્ટર ડીગ્રી કરવા બર્મિંગહામ આવ્યો હતો. જિવંતને સવારે સાડા ચાર વાગ્યે કેનાલમાંથી બહાર કાઢી પેરામેડિક્સ દ્વારા બચાવવા ભરપૂર પ્રયાસો કરાયા હતા પણ તેનુ મોત થયુ હતુ.
જિવંતના ભાઈના કહેવા મુજબ ‘’તે ભણવામાં હોશિયાર હતો અને પરિવારની રોજ વાત પણ થતી હતી. પરંતુ ચોંકાવનારો સવાલ એ છે કે, તે કેનાલ સુધી કેવી રીતે પહોંચ્યો. તેની પાછળ કોઈ કાવતરુ તો નથી ને તેની તપાસ થવી જોઈએ.’’
જિવંતની સાથે રહેતા મિત્રોનુ કહેવુ છે કે, લાઈબ્રેરી જવાનુ કહીને તે ફ્લેટ પરથી નીકળ્યો હતો પણ રાત્રે સાડા નવ સુધી તે પાછો ના ફરતા મિત્રોએ તેને ફોન કરતા શિવકુમારે થોડુ મોડુ થશે તેમ જણાવ્યું હતું. પણ મોડી રાત સુધી તે પાછો નહીં આવતા મિત્રોએ ફરી તેને ફોન કરતા જવાબ મળ્યો નહોતો અને અડધી રાત બાદ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો.
પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, “તેમના મૃત્યુને શંકાસ્પદ તરીકે ગણવામાં આવતું નથી અને કેસને કોરોનરને મોકલવામાં આવશે.”
ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (INSA) અને એસ્ટન યુનિવર્સિટી શિવકુમારના મૃતદેહને ભારત પરત મોકલવામાં સંકલન કરવામાં મદદ કરી રહ્યું છે. INSAની ટીમે શિવકુમારને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
એસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટેના એસોસિયેટ પ્રો વાઇસ ચાન્સેલર એલિસન લેવેએ જણાવ્યું હતું કે ‘’યુનિવર્સિટી મૂલ્યવાન સભ્યો પૈકીના શિવકુમારના મૃત્યુ વિશે સાંભળીને ખૂબ જ દુઃખી છે. આ મુશ્કેલ સમયમાં અમારી લાગણી તેમના પરિવાર અને મિત્રો સાથે છે. અમે તેના પરિવાર, મિત્રો અને વિશાળ વિદ્યાર્થી અને સ્ટાફ સમુદાયને ટેકો આપવા માટે અમે બનતું બધું કરી રહ્યા છીએ. અમે ભારતના કોન્સ્યુલેટ જનરલ સાથે સંપર્કમાં છીએ અને યુકેના સંબંધિત સત્તાવાળાઓને સહકાર આપવાનું ચાલુ રાખીશું.”
યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને તેમની સ્ટુડન્ટ વેલ્ફેર ટીમો સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં કાઉન્સેલિંગ, ચેપ્લેન્સી અને મેન્ટલ હેલ્થ એન્ડ વેલબીઇંગનો સમાવેશ થાય છે.