(istockphoto.com)

ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિકી મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયો વિશ્વની પાંચમાં ક્રમની સૌથી વધુ મજબૂત બ્રાન્ડ છે, એમ બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ 500 રેન્કિંગમાં જણાવાયું છે.
ચીનની મોબાઇલ એપ વીચેટ ફેરારીને પાછળ રાખીને વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડ બની છે. રશિયાની બેન્ક એસબેર ત્રીજા અને કોકા કોલા ચોથા સ્થાને રહી છે.

બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ-500ની યાદીમાં, દુનિયાની સૌથી મજબૂત બ્રાન્ડને રેન્કિંગ આપવામાં આવે છે. આ વખતે એપલ, એમેઝોન, અલીબાબા અને પેપ્સી જેવી દિગ્ગજ કંપનીઓને રિલાયન્સ જિયોએ પાછળ છોડી દીધી છે. દુનિયાની સૌથી મજબૂત ટોપ-10 ગ્લોબલ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવનાર ભારતીય કંપનીઓ રિલાયન્સ જિયો એક માત્ર છે. બ્રાન્ડની મજબૂતીના મામલે રિલાયન્સ જિયોએ 100માંથી 91.7 બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) પોઇન્ટ અને AAA+નો રેન્ક હાંસલ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ જિયોનો ગ્લોબલ બ્રાન્ડ ફાઇનાન્સ સ્ટ્રેન્થની યાદીમાં પ્રથમ વખત સમાવેશ કરાયો છે અને ટોપ-5માં 5મો ક્રમ હાંસલ કર્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યુ છે કે, જિયો ટેલિકોમ સેક્ટરમાં બ્રાન્ડ વેલ્યૂની દ્રષ્ટિએ સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવનાર બ્રાન્ડ છે, એક બાજુ સમગ્ર ટેલિકોમ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળી તે સમયે જિયોની બ્રાન્ડ વેલ્યૂ 4.8 બિલયન ડોલરે પહોંચી ગઇ છે. રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા આશરે 400 મિલિયન છે.