વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારની રાત્રે 11.30 વાગ્યે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજકીય વિવાદ ઊભો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કરવામાં આવેલી એક ટ્વીટને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, પીએમ મોદી, કે જેઓ ગોડસેને ભગવાન માને છે, તેઓ 20 તારીખથી ગુજરાત પ્રવાસ પર છે, અને તેઓએ ગુજરાતના ખંભાત, વેરાવળ અને હિંમતનગરમાં થયેલાં કોમી રમખાણો મામલે શાંતિ અને અમનની અપીલ કરવી જોઈએ. મહાત્મા મંદિરના નિર્માતા પાસેથી આટલી તો આશા બને છે ને? આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં મેવાણી દ્વારા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ઉપર પણ આકરાં પ્રહાર કરતી એક ટ્વીટ કરવામાં આવી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મેવાણીની ધરપકડને ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક ગણાવી છે અને કહ્યું છે કે, સત્યને કચડી નાખવાનો પ્રયાસ કરીને તેને કેદ કરી શકતા નથી. રાહુલ ગાંધીએ લખ્યું કે, તમે રાજ્યની મશીનરીનો દુરુપયોગ કરીને અસંમતિને કચડી નાખવાનો પ્રયાસ કરી શકો છો, પણ તમે ક્યારેય સત્યને કેદ કરી શકતા નથી.
અડધી રાત્રે ધારાસભ્યની ધરપકડ કરાતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આ મામલે વિપક્ષી પાર્ટીઓ દ્વારા સત્તા પક્ષ ઉપર આકરાં પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે, હવે તો દેશમાં ધારાસભ્ય પણ સુરક્ષિત નથી.