બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી ટ્વીટના કેસમાં આસામ પોલીસે ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટમાંથી તેમને જામીન મળ્યા હતા અને જોકે પોલીસે અન્ય એક કેસમાં તેમની ફરી ધરપકડ કરી હતી. મેવાણી સામે આસામની એક મહિલા પોલીસ અધિકારી પર હુમલો કરવાનો આરોપ મૂકાયો છે.
ધારાસભ્ય મેવાણીની આસામ પોલીસે 20 એપ્રિલે મધરાતે પાલનપુર સર્કિટ હાઉસથી ધરપકડ કરી હતી અને રાત્રે જ તેમને ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં તેમને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા.
કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ રવિવારે પૂરા થતા તેમને એક દિવસની કોર્ટ કસ્ટડીમાં મોકલાયા હતા. સોમવારે તેમની જામીન અરજી કોર્ટે મંજૂર કરી હતી. જોકે, આસામ પોલીસે મેવાણીની જામીન અરજી મંજૂર થતા જ તેમની પોલીસની મહિલા ઓફિસર પર હુમલો કરવાના અને જાહેર સેવકને ફરજ બજાતવા રોકવાના ગુનામાં ધરપકડ કરી લીધી હતી.
મેવાણીએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ટ્વીટ કરી હતી ‘પીએમ મોદી, કે જેઓ ગોડસેને ભગવાન માને છે, તેઓ 20 તારીખથી ગુજરાત પ્રવાસ પર છે, અને તેઓએ ગુજરાતના ખંભાત, વેરાવળ અને હિંમતનગરમાં થયેલાં કોમી રમખાણો મામલે શાંતિ અને અમનની અપીલ કરવી જોઈએ. મહાત્મા મંદિરના નિર્માતા પાસેથી આટલી તો આશા બને છે ને?’