બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘેરા ઘર ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. હવે આ યાદીમાં શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની દીકરી જ્હાન્વીનું નામ પણ સામેલ થયું છે. જોકે, જાહન્વી કપૂર, બોની કપૂર અને તેની બહેન ખુશી કપૂરે સંયુક્ત રીતે મુંબઈના પોશ એરિયા ગણાતા બાંદ્રા વેસ્ટમાં રૂપિયા 65 કરોડનું ડુપ્લેક્ષ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.
આ એપાર્ટમેન્ટ 6,421 સ્કવેર ફુટમાં પથરાયેલું છે અને પાલી હિલમાં પહેલા અને બીજા માળ સ્થિત છે. આ ફ્લેટ માટે રૂપિયા 3.90 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી છે અને આ ડીલ 12 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવી હતી. આ ફ્લેટની સાથે આ પરિવારને પાંચ કારની પાર્કિંગ જગ્યા પણ મળશે. ફ્લેટમાં પ્રથમ અને બીજા માળે ઓપન ગાર્ડન સ્પેસ છે અને પહેલા માળે સ્વિમિંગ પૂલની સુવિધા પણ ઉપલબ્ધ છે. એક તરફ, જાહન્વી કપૂર ધીરે-ધીરે ઈન્ડસ્ટ્રીમાં પગ પેસારો કરવામાં અને મોટા પ્રોડ્યુસર્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે તો બીજી તરફ, બોની કપૂર પણ પ્રોડ્યુસર તરીકે પોતાની બીજી ઈનિંગ શરુ કરવા માટે તૈયાર છે. આ પરિવારે ખરીદેલ મોંઘો એપાર્ટમેન્ટ અત્યારે વધુ ચર્ચામાં છે.