ધનતેરસથી પરંપરાગત રીતે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. આ વર્ષે ગુજરાતના લોકોએ મુહૂર્ત તરીકે મોટાપાયે સોના ચાંદીની ખરીદી કરી હતી. મીડિયા રીપોર્ટ મુજબ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશન (IBJA)ના અંદાજ પ્રમાણે ગુજરાતભરમાં આશરે 400 કિલો ગોલ્ડ અને 25 ટન ચાંદીનું ધનતેરસ (શનિવારે)માં વેચાણ થયું હતું. શનિવારે અમદાવાદના માર્કેટમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 52,600 રૂપિયા હતો, જ્યારે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 58,300 રૂપિયા હતો.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશનના ગુજરાતના પ્રમુખ જિગર સોનીએ કહ્યું, “સોનાના દાગીનાની માગ સારી રહી હતી.. સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવ્યા હતા. સિક્કા અને લગડીનું પણ ખાસ્સું વેચાણ રહ્યું હતું.” ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડની માગ પણ વધુ રહી હતી. આ વર્ષે ચોમાસામાં પણ 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સોનાની નોંધપાત્ર માગ જોવા મળી હતી.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પી આરએ જણાવ્યું કે સોનાના ઘરેણાંથી લઈને સોનાના સિક્કા સુધી ગ્રાહકો ખરીદી કરતાં જોવા મળ્યા હતા. ધનતેરસ પર સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે ત્યારે લોકો આ પરંપરા જાળવતાં દેખાયા હતા. આ વર્ષે મોટી સંખ્યામાં લગ્નો છે તેમજ લણણી પછી સારી આવક થતાં પણ ખરીદી થઈ રહી છે, જે ચોમાસું સારું રહ્યું હોવાનું દર્શાવે છે.

જ્વેલર્સે જણાવ્યું હતું કે ગ્રાહકોને આકર્ષવા માટે સોના અને ડાયમંડના દાગીનાના ઘડામણ પર પણ સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ચાંદીની માગમાં પણ વધારો જોવા મળ્યો હતો. અગાઉ જે લોકોએ ચાંદીના સિક્કા અને લગડી ખરીદી હતી તેમણે પણ નફો કમાવવા આ વેચ્યા હતા. જોકે, એકંદરે માગ નોંધનીય રહી હતી. ચાંદીના વાસણો, સિક્કા અને જ્વેલરીની માગ વધારે રહી હતી. ચાંદીના ભાવ પ્રમાણમાં ઓછા હોય છે ત્યારે યંગ જનરેશન વિશિષ્ટ ડિઝાઈનની જ્વેલરી ખરીદવાનું પસંદ કરે છે.

LEAVE A REPLY