ઇઝરાયેલ અને ગાઝામાં થઇ રહેલા હિંસક હુમલા સંબંધે નોર્થ લંડનમાં આવેલા સેન્ટ જ્હોન વુડ ખાતે એન્ટી સેમિટીક ઘટના દરમિયાન ‘તેમની (જ્યુઇશની) દિકરીઓ પર બળાત્કાર કરો’ના નારા લગાવવા અને મેગાફોન પર અપમાનજનક, એન્ટી સેમિટિક ચીસો પાડવાના આરોપ બદલ ચાર પુરૂષો સામે કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું. આ અગાઉ તેમની ધરપકડ કરી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
પોલીસે 27 વર્ષના મોહમ્મદ ઇફ્તિખાર હનીફ, (પ્રિંગલ સ્ટ્રીટ, બ્લેકબર્ન); 24 વર્ષના જવાદ હુસૈન, (રેવિજ રોડ, બ્લેકબર્ન); 25 વર્ષના આસિફ અલી, (પ્રિંગલ સ્ટ્રીટ, બ્લેકબર્ન) અને 26 વર્ષના આદિલ મોટા (લેમિંગ્ટન રોડ, બ્લેકબર્ન)ને તા. 16 સપ્ટેમ્બરે ધમકી, અપમાનજનક શબ્દો અથવા વર્તણૂકનો ઉપયોગ કરીને વંશીય નફરત ઉશ્કેરવાની શક્યતા સાથે ચાર્જ કરવામાં આવ્યા હતા. તેઓ બુધવાર, 6 ઓક્ટોબરના રોજ વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે.
સોશ્યલ મિડીયા પર વ્યાપકપણે વાઇરલ થયેલા વિડીયોમાં 16 મેના રવિવારે એક કારમાંથી ચીસો પાડી નારા લગાવાયા હોવાનું બહાર આવ્યું હતું. વડા પ્રધાન બોરિસ જોન્સન, લેબર નેતા કેર સ્ટાર્મર સહિત સમગ્ર બ્રિટનના લોકોએ આ ઘટનાને શરમજનક અને ઘૃણાસ્પદ ગણાવી વખોડી કાઢી હતી. આ કારો પર પેલેસ્ટિનિયન ધ્વજ લગાવાયા હતા અને તેમાંથી યહૂદીઓ વિરુદ્ધ એન્ટિ સેમિટીક સ્લર્સ અને ધમકીઓ આપવામાં આવી હતી.
આ લોકોએ નોર્થ લંડનમાં સેન્ટ જ્હોન વુડ ઉપરાંત માન્ચેસ્ટરના સેલ્ફર્ડના બ્રોટન પાર્ક વિસ્તારમાં પણ આવા જ સુત્રોચ્ચારો કર્યા હોવાનુ બહાર આવ્યું હતું.