જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ વિરુદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો નવો કેસ દાખલ કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ બુધવારના રોજ તેમની ધરપકડ કરીને લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ એજન્સીની ટીમ ગોયલને લઈને મુંબઈ સ્થિત તેમના ઘરે પહોંચી હતી અને ત્યાં ઘરમાં શોધખોળ કરી હતી. ઈડી જેટના 12 વર્ષની નાણાકીય લેણ-દેણની તપાસ કરી રહી છે. ફેમા કેસમાં ગોયલ, તેમની પત્ની અને દીકરાની પણ ઘણી વખત પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ તપાસ એજન્સીએ ગોયલના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેની 19 કંપનીઓ સાથે સંકળાયેલા લેણ-દેણ અંગેની જાણકારી મળી હતી. તેમાંથી 14 ફર્મ ભારત અને પાંચ વિદેશમાં છે. ત્યારે ઈડીએ આ કંપનીઓમાં ફંડ ટ્રાન્સપર કરવા માટે ડિજિટલ પુરાવાઓ અને અગત્યના દસ્તાવેજો મળી આવ્યા હતા.
ઈડીના જણાવ્ય પ્રમાણે વિદેશોમાં રહેલી કંપરનીઓમાં ગોયલના પરોક્ષ નિયંત્રણની વાત સામે આવી છે. આ કંપનીઓ એવા દેશોમાં છે જેને ટેક્સ હેવન માનવામાં આવે છે. આરોપ છે કે ગોયલે બંધ થઈ ચૂકેલી એરલાઈન દ્વારા લેણ-દેણમાં ગરબડ કરી છે.
નોંધનીય છે કે, નરેશ ગોયલે ગયા વર્ષે માર્ચમાં જેટ એરવેઝના ચેરમેન પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ 14 એપ્રિલના રોજ એરલાઈનને નાણાકીય સંકટનો હવાલો આપીને ઓપરેશન બંધ કરી દીધું હતું. જેટની ફ્લાઈટ્સ બંધ થયા બાદ તેમાં કામ કરનારા હજારો કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા છે.
