જેટ એરવેઝ તેના લગભગ એક તૃતીયાંશ કર્મચારીઓને પગાર વિના રજા પર મોકલશે અથવા તેમના પગારમાં 50% સુધીનો ઘટાડો કરશે, એમ મીડિયા અહેવાલમાં 18 નવેમ્બરે જણાવામાં આવ્યું હતું. કંપનીએ તેના આશરે 230 જેટલાં કર્મચારીઓને વગર પગારની રજા પર ઉતારી દીધાં હોવાનો તથા અન્ય કર્મચારીઓના પગારમાં કાપ મુક્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. જેટ એરવેઝ ફરીથી શરૂ થવાની હિલચાલો વચ્ચે લેવાયેલા આ પગલાંથી એરલાઈનના ભાવિ અંગે ફરીથી અટકળો શરૂ થઈ છે.
એરલાઇનના કેટલાક કર્મચારીઓના જણાવ્યા અનુસાર 50% પગાર કાપ 1 ડિસેમ્બરથી અમલમાં આવશે. દરમિયાન એરલાઇન મેનેજમેન્ટે જણાવ્યું હતું કે બે તૃતીયાંશ સ્ટાફને આ પગલાથી અસર થશે નહીં. બાકીના એક તૃતીયાંશ કર્મચારીઓ માટે, તેમાં ઉમેર્યું હતું કે, તેમના પગારમાં અસ્થાયી ધોરણે ઘટાડો કરવામાં આવશે.
જેટ એરવેઝે 2019માં કામગીરી સ્થગિત કરી હતી અને ત્રણ વર્ષ સુધી ગ્રાઉન્ડેડ રહી હતી, તેને આ વર્ષે મે મહિનામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
નાદારીમાં ડુબેલી જેટ એરવેઝને પુનઃ ધમધમતી કરવા તેને હસ્તગત કરનાર જાલાન કાલરોક કોન્સોર્ટિયમ( જેકેસી)એ શુક્રવારે વધુ એક નિવેદન બહાર પાડી દાવો કર્યો હતો કે તેઓ એરલાઇનને પુનઃ શરૂ કરવા માટે “પ્રતિબદ્ધ” છે. જોકે કોન્સોર્ટિયમે એરલાઈનને પુનઃ શરૂ કરવામાં થઈ રહેલાં વિલંબને કારણે “મુશ્કેલ નિર્ણયો” લેવાની ચેતવણી પણ આપી હતી. આ નિવેદનની થોડી મિનિટો બાદ કર્મચારીઓને પગાર અથવા પગારમાં કાપ મૂક્યા વિના રજા લેવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા. જેકેસીએ શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યાં અનુસાર તેઓ “જેટ એરવેઝને પુનર્જીવિત કરીને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે ઇતિહાસ રચવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.