ભારતની જેટ એરવેઝને ફરી બેઠી કરવાની યોજનાને નેશનલ કંપનીઝ લો ટ્રીબ્યુનલ (NCLT)એ મંગળવારે મંજૂરી આપી હોવાનું જાણકાર વર્તુળોએ જણાવ્યું છે. લંડન સ્થિત કાલરોક કેપિટલ અને UAE સ્થિત બિઝનેસમેન મુરારી લાલ જાલનના વડપણ હેઠળના કોન્સોર્ટિયમે આ રીવાઇવલ યોજના રજૂ કરી હતી.
આ રીવાઇવલ યોજનાના ભાગરૂપે NCLTએ જેટ એરવેઝને 90 દિવસમાં સ્લોટ એલોટ કરવા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સૂચના આપી છે. જોકે દેવાના બોજ હેઠળની જેટ એરવેઝને તેના મહત્ત્વના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ આપવા અંગે કોઇ નિર્ણય થયો નથી.
કાલરોક-જાલન કોન્સોર્ટિયમે આગામી પાંચ વર્ષમાં બેન્કો, નાણાં સંસ્થાઓ અને કર્મચારીઓને રૂ.1,200 કરોડની ચુકવણી કરવાની દરખાસ્ત કરી હતી. આ કોન્સોર્ટિયમે 30 વિમાનો સાથે ફુલ સર્વિસ એરલાઇન તરીકે જેટ એરવેઝને ફરી બેઠી કરવાની યોજના બનાવી છે.
જેટ એરવેઝ એપ્રિલ 2019માં બંધ થઈ હતી. આ પહેલા તે સિંગાપોર, લંડન અને દુબઇ જેવા ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક હબમાં સર્વિસ પૂરી પાડતી હતી. તીવ્ર સ્પર્ધાને કારણે તેના દેવામાં વધારો થયો હતો. એરલાઇન્સ બંધ થઈ ત્યારે તેના માથે કુલ રૂ. 30,000 કરોડનું દેવું હતું.