ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે આગામી ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી જાહેર કરી હતી. આ જર્સી ચાહકોથી પ્રેરિત છે. 17 ઓક્ટોબરથી યુએઈમાં ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં ભારતનો પ્રથમ મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. ટી20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં રમાશે.
નવી જર્સીને ‘બિલિયન ચીયર્સ જર્સી’ નામ આપવામાં આવ્યું છે. આ જર્સીને ભારતીય મેન્સ, વિમેન્સ અને અંડર-19 ટીમોની સ્પોન્સર્સ કંપની એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.કંપનીએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે જર્સી પર ચાહકોને યાદ કરવામાં આવ્યા છે. તેના પર ભૂતકાળની યાદગાર મેચોના ચાહકોના સૂત્રો અને ચીયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને એક અનોખી સાઉન્ડવેવ પેટર્ન્સ દ્વારા ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યા છે. તેથી જ આ જર્સીનું નામ બિલિયન ચીયર્સ જર્સી રાખવામાં આવ્યું છે.
આ જર્સીમાં રોયલ બ્લુ અને પ્રસિયન બ્લુના શેડ્સ જોવા મળે છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમને ફક્ત ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી સપોર્ટ મળે છે અને તેમના રોમાંચ અને ઉત્સાહને જર્સી દ્વારા રજૂ કરવાથી વધારે કોઈ સારો રસ્તો નથી. હું એમપીએલ સ્પોર્ટ્સનો આભાર માનું છું જેણે સતત ટીમને શ્રેષ્ઠ મર્કેન્ડાઈઝ ઉપલબ્ધ કરાવ્યા છે.