કોમનવેલ્થ ગેમ્સમાં યુવા વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ પુરુષોના વેઈટલિફ્ટિંગ ઈવેન્ટના 67 કિલોગ્રામ વર્ગમાં રવિવારે ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જેરેમીએ સ્નૈચમાં સૌથી વધારે 140 કિલો વજન ઉઠાવ્યું હતું, જ્યારે ક્લિન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉઠાવીને ઈતિહાસ બનાવી દીધો હતો. તેણે ગેમ રેકોર્ડ કુલ 300 કિલો વજન ઉઠાવ્યું હતું. આ રીતે વેઈટલિફ્ટિંગમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ અને કુલ 5મો મેડલ મળ્યો હતો. આ અગાઉ શનિવારે મીરાબાઈ ચાનૂએ 49 કિલોગ્રામ વર્ગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.
ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલો જેરેમી પહેલીવાર જ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો હતો અને તેણે પોતાની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સમાં જ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. આ અગાઉ મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, સંકેત સરગર અને બિંદિયારાની દેવીએ સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે ગુરુરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતને અત્યાર સુધી વેઈટલિફ્ટિંગમાં 5 મેડલ મળી ચૂક્યા છે. આ ઈવેન્ટમાં આજે વધુ બે મેડલ મળવાની આશા છે.