ઇન્ડિયન અમેરિકન વકીલ જેનિફર રાજકુમાર ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાયેલા પ્રથમ સાઉથ એશિયન મહિલા બન્યાં છે. 38 વર્ષીય ડેમોક્રેટ જેનિફર રાજકુમારે તેમના રિપબ્લિકન હરીફ ગિયોવેન્ની પેર્નાને પરાજય આપ્યો હતો.
ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડે બુધવારે ટ્વીટ કર્યું હતું કે એનવાય સ્ટેટ ઓફિસમાં ચૂંટાયેલા પ્રથમ સાઉથ એશિયન મહિલા જેનિફર રાજકુમારને અભિનંદન. જેનિફર લાંબા સમયથી જાહેર સેવક અને લિગલ એડવોકેટ છે. અમે જાણીએ છીએ તે તેઓ આલ્બેનીમાં સાઉથ એશિયન્સનો મજબૂત અવાજ છે.
સ્ટેન્ફોર્ડમાં એજ્યુકેટેડ લોયર અને ઇમિગ્રન્ટના હકો માટે લડતા રાજકુમાર ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ન્યૂ યોર્ક સિટીનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ 38માં એસેમ્બલી ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ છે.
રાજકુમાર ન્યૂ યોર્કની સિટી યુનિવર્સિટીમાં પ્રોફેસર અને એડવોકેટ છે. તેઓ ન્યૂ યોર્ક રાજ્યના ભૂતપૂર્વ સરકારી અધિકારી પણ છે. વેબસાઇટ પર તેમની પ્રોફાઇલમાં જણાવ્યા અનુસાર રાજકુમારના માતાપિતા ભારતથી અમેરિકા આવ્યા હતા અને ન્યૂ યોર્કના ક્વીન્સમાં સેટલ થયા હતા. 2015 અને 2016માં રાજુકમારનો સુપર લોયર્સ ન્યૂ યોર્ક મેટ્રો રાઇઝિંગ સ્ટાર લિસ્ટમાં સમાવેશ થયો હતો.