નવનાત વણિક એસોસિએશનના અગ્રણી અને છેલ્લા 30 વર્ષથી ચેરિટી અને સામુદાયિક કાર્યોમાં સક્રિય એવા શ્રી જયસુખભાઇ એસ. મહેતાને ફેઇથ ઇન્ટીગ્રેશન અને માનવતાવાદની સેવાઓ માટે 2024ના મહારાજાના બર્થડે ઓનર લિસ્ટમાં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) એનાયત કરાયો છે.
યુકે અને ભારતમાં માનવતાવાદી પ્રવૃત્તિઓની શ્રેણીને ભંડોળ પૂરું પાડતી સંસ્થા વન જૈન ગૃપની કલ્પના અને સ્થાપનામાં મદદ કરનાર જયસુખભાઇ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીમાં 25 વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
કોવિડ રોગચાળા દરમિયાન જયસુખભાઇએ વનજૈન ટીમ સાથે મળીને સાચી માહિતી આપવા ગુજરાતી ભાષામાં તબીબી નિષ્ણાતોના હેલ્થ સેમિનાર યોજ્યા હતા. તો સ્થાનિક સમુદાયમાં નબળા રહેવાસીઓને તબીબી સાધનોનું વિતરણ કર્યું હતું.
તેમણે ગરીબીથી પીડિત લોકો માટે મેડિકલ અને ડેન્ટલ સર્જરી, આંખના કેમ્પ અને પુનર્વસન કેન્દ્ર માટે સાયલા, ભારતના રાજ સૌભાગ આશ્રમને વિશાળ ભંડોળ પૂરું પાડ્યું છે. તો સાયલામાં કન્યા માધ્યમિક શાળાની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
6 વર્ષ સુધીના નવનાત વણિક એસોસિએશનના ટ્રસ્ટી પદ દરમિયાન ભંડોળ એકત્ર કરવા અને સમુદાયની માંગણીઓ સંતોષતા કેન્દ્રની સ્થાપના પર ભાર મૂક્યો હતો તો સ્થાનિક વિસ્તારમાં એક જૈન દહેરાસરની સ્થાપના કરવામાં મદદ કરી હતી.
સેવા કાર્યોની પ્રેરણા બા (મા) પાસેથી વારસામાં મેળવનાર જયસુખભાઇએ વિવિધ પ્રોજેક્ટ્સમાં માર્ગદર્શન પૂરું પાડનારા અને કામ કરનારા તમામ લોકોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.