બ્રિટન આવેલા ભારતીય વિદેશ મંત્રીના પ્રતિનિધિ મંડળના સદસ્યો કોવિડની અડફેટે
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ અને ભારતીય વિદેશ મંત્રી ડો. જયશંકરે ગુરૂવાર તા. 6 મેના રોજ બે કલાકની દ્વિપક્ષીય વર્ચ્યુઅલ બેઠકમાં ફ્રી ટ્રેડ પાર્ટનરશીપની સમજૂતીનો માર્ગ મોકળો કરવા માટે ભારત-યુકે એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ (ઇટીપી)ના મહત્વાકાંક્ષી ‘2030 રોડમેપ’ને લાગુ કરવા ચર્ચા કરી હતી.
ભારતીય વિદેશ મંત્રી ડો. જયશંકર સાથે યુકેની મુલાકાતે આવેલા ભારતીય પ્રતિનિધિ મંડળના કેટલાક સદસ્યો તા. 4ના રોજ કોવિડ-19 પોઝીટીવ જણાતા ડો. જયશંકરે ન છૂટકે રૂબરૂ બેઠકોમાંથી ખસી જવુ પડ્યું હતું. તેમણે બુધવારે સમાપ્ત થનાર જી-7 ફોરેન અને ડેવલપમેન્ટ મિનીસ્ટર્સની બેઠકને વર્ચ્યુઅલ સંબોધન કરવું પડ્યું હતું અને યુકેમાં યોજાયેલી તમામ બેઠકોમાં તેમણે વર્ચ્યુઅલ હાજરી આપી ચર્ચા વિચારણા કરી હતી.
ડો. જયશંકર મંગળવારે સાંજે વર્કિંગ ડિનર અને બુધવારે વધુ બેઠકો ઉપર સમિટના પ્રથમ ઑપચારિક મેળાવડા માટે અન્ય જી-7 અતિથિ દેશોના પ્રધાનોમાં જોડાવાના હતા.
બંને મંત્રીઓએ યુકે અને ભારત વચ્ચેની કોમ્પ્રિહેન્સીવ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપને આવકારી બંને દેશો વચ્ચેના ઉંડા સહયોગ અને સહયોગ આપવા માટેના પ્રયત્નોનું કેવી રીતે સંકલન કરી શકાય તેની ચર્ચા કરી હતી. તેમણે અને રાબે ભારત-પેસિફિક સહયોગ અને વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારો અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
બન્ને નેતાઓએ ક્લાયમેટ ચેન્જ, કોરોનાવાયરસ જેવા વૈશ્વિક પડકારો અને જોખમી સાયબર એક્ટીવીટી સહિતના જોખમોનો સામનો કરવા સાથે મળીને કામ કરવાના મહત્વની નોંધ લીધી હતી. તેમણે આ સપ્તાહની શરૂઆતમાં ભારત અને યુકે વચ્ચેની એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ જેવી મુખ્ય સિદ્ધિઓની સરાહના કરી હતી. તેમણે વેપાર, સંરક્ષણ અને સુરક્ષા, ક્લાઇમેટ અને આરોગ્ય ક્ષેત્રે ભાવિ પ્રગતિ માટે ચર્ચા કરી આ મુખ્ય ક્ષેત્રોમાં આવતા દસ વર્ષોમાં મજબૂત જોડાણ માટે રોડમેપ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે યુકે અને ભારતના લોકોના ‘જીવંત પુલ’ને મજબૂત બનાવતા માઇગ્રેશન અને મોબીલીટીની ભાગીદારીને પણ આવકારી હતી.
ગયા ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં થયેલી તેમની ચર્ચાઓ અને વડા પ્રધાન જોન્સન અને વડા પ્રધાન મોદી દ્વારા જેના પર સહમતી અપાઇ હતી તે ભારત-યુકેના ભાવિ સંબંધો માટેના 2030 રોડમેપને આગળ વધારવા શ્રી રાબ અને ડો. જયશંકર સંમત થયા હતા. તેઓ ક્લાયમેટ ચેન્જ અને મ્યાનમારમાં થયેલા લશ્કરી બળવાને સમાપ્ત કરવા સાથે કામ કરવા સહમત થયા હતા.
તેમણે કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા ઉંડા સહયોગની જરૂરિયાત પર ચર્ચા કરી હતી અને વિશ્વભરની રસીઓમાં ઝડપી અને સમાન વપરાશની જરૂરિયાત પર સંમત થયા હતા.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ અને યુકેના ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસ વચ્ચે ઇટીપી પર હસ્તાક્ષર થયા બાદ ટૂંક સમયમાં એફટીએ વાટાઘાટો શરૂ કરવાનું લક્ષ્યાંક છે.
રોડમેપ અંતર્ગત આગામી 10 વર્ષ દરમિયાન વિશ્વની પાંચમી અને છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વેપાર સંભવિત બનાવવા અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને સિધ્ધ કરવા મોદી અને જોન્સને ઇટીપી શરૂ કરી છે. ઇટીપીના ભાગ રૂપે, ભારત અને યુકે વ્યાપક અને સંતુલિત એફટીએની વાટાઘાટ માટેના માર્ગદર્શિકા પર સંમત થયા હતા. ભારત અને યુકે વચ્ચે વધનારી વેપાર ભાગીદારીથી બંને દેશોમાં હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પેદા થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યો રવિવાર તા. 30ના રોજ યુકે જવા રવાના થયા તે પહેલાં ચાર જણાએ કોવિડ-19 માટે નેગેટીવ ટેસ્ટીંગ કર્યું હતું. પણ યુકે આવી તપાસ કરાતા તેઓ પોઝીટીવ જણાયા હતા. જો કે તે તમામની તબિયત સારી છે.