કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના આ નેતા છેલ્લા 37 વર્ષથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતા.
જયરાજ સિંહ ભાજપમાં જોડાતા પહેલા અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ભગવો ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.
તેમણે થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને મંગળવારે પોતે ભાજપમાં જોડાશે તેવી જાહેરાત કરી હતી. ભાજપમાં જોડાતા પહેલાં જયરાજસિંહે શક્તિ પ્રદર્શન કર્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો અને તેમના સમર્થકો આ રેલીમાં જોડાયા હતા. તેમણે પોતે કોંગ્રેસમાં હતા ત્યારે કહી એ વાત અહીં ભાજપ માટે દોહરાવી હતી કે, હવે હું પક્ષને વફાદાર રહીને કાર્ય કરવાનો છું. જનતા માટે અમે લડતા રહીશું.
આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યુંહતું કે, આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે.કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.નક્કી કર્યું હતું કે કોગેસમાંથી કોઈને લાવવા નહિ.હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં છે.