સંસંદના શિયાળુ સત્ર દરમિયાન 20મી ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને પીઢ અભિનેત્રી જયા બચ્ચન ભાજપના સાંસદો પર રોષે ભરાયા હતા. તેઓ એટલા ગુસ્સામાં હતા કે હાંફવા લાગ્યા હતા. સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદો અને જય બચ્ચન વચ્ચે બોલાચાલી થઈ હતી.
જયા બચ્ચને આક્ષેપ મૂક્યો કે તેમના વિરુદ્ધ કોઈ સભ્યએ અપમાનજનક ટિપ્પણી કરી છે. આ કારણે સંસદમાં હોબાળો થઈ ગયો. જયા બચ્ચને કહ્યું કે, તમે 12 સભ્યોને નિષ્કાસિત કર્યા છે. તમે આમનો બચાવ કેવી રીતે કરી શકો છો. રાજ્યસભાના સભાપતિ તેમને કહેતા રહ્યા કે, તમે નારકોટિક્સ બિલ પર વાત કરો, અન્ય વિષય પર નહીં. અધ્યક્ષની વાત સાંભળીને જયા બચ્ચન વધારે રોષે ભરાઈ ગયા. તેમણે કહ્યું કે, તમે અમારું ગળું દબાવી કાઢો.
તેમને જ બોલવા દો. મારો નંબર છે તો મને વાત કરવા દો. અમને ન્યાય જોઈએ છીએ. મારા પર અંગત પ્રહાર કરવામાં આવ્યો. હું શાપ આપુ છું કે ટુંક સમયમાં તમારા લોકોના ખરાબ દિવસો આવશે. આ પહેલા પણ સંસદની કાર્યવાહી બે વાર સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના સભ્યોએ સાંસદોને નિષ્કાસિત કરવા સહિતના અન્ય મુદ્દાઓ પર હોબાળો કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બરે પનામા પેપર કેસ સંબંધિત તપાસ દરમિયાન તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જય બચ્ચનના પુત્રવધુ અને એક્ટ્રેસ ઐશ્ચર્યા રાય બચ્ચનની આશરે 5 કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી.