ડિસ્લેક્સીયા ધરાવતા સિટી એકાઉન્ટન્ટ જય પટેલને નોકરીના માત્ર એક મહિના પછી તેની બોસ લ્યુસી રેમન્ડ-વિલિયમ્સ દ્વારા મિલેનીયલ અને બહુ બધી માંગણી કરતો હોવાનું જણાવી બરતરફ કરતા હવે તેને વળતર આપવું પડશે. ઈન્સ્યોરન્સ બોસ લ્યુસી રેમન્ડ-વિલિયમ્સે સૂચન કર્યું હતું કે ‘તેને બધી વસ્તુઓ પ્લેટમાં આપવામાં આવે તેવી અપેક્ષા હતી’.
ડિસ્લેક્સિક જય પટેલે શૈક્ષણિક અને કારકિર્દીમાં સફળતા હાંસલ કરવા માટે નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે બોસના આ વર્તનને ‘વાંધાજનક’ અને ‘દુઃખદાયક’ ગણાવ્યું હતું.
એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે સાંભળ્યું હતું કે શ્રીમતી રેમન્ડ-વિલિયમ્સે તેને ઉદ્દેશીને “બ્લુ-આઇડ બોય, ડિસ્લેક્સીયાવાળા લોકો શું પ્રાપ્ત કરી શકે છે તે બતાવવાનો મારો પ્રોજેક્ટ” છે તેમ કહી બિરદાવ્યાના થોડા અઠવાડિયા પછી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. શ્રી પટેલે લંડન સ્થિત લ્યુસી એ રેમન્ડ એન્ડ સન્સ સામે મિલેનીયલ કહી વય અને ડિસ્લેક્સીયાવાળો કહી અપંગતા બાબતે ભેદભાવ કર્યો હોવાનો દાવો કર્યો હતો.
એમ્પલોયમેન્ટ ટ્રાઇબ્યુનલ જજ સ્ટીફન હીથે તેના વયના દાવાને કાઢી નાંખ્યો હતો પરંતુ તેણે વિકલાંગ હોવાના કારણે કરાતા ભેદભાવનો દાવો જીતી લીધો હતો અને હવે તેને કંપની તરફથી વળતર મળશે.
એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટમાં ફર્સ્ટ-ક્લાસ ઓનર્સ ડિગ્રી ધરાવતા શ્રી પટેલ, એસોસિએશન ઑફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ (એસીસીએ) સાથે આંશિક માન્યતા પ્રાપ્ત થયા હતા અને નવેમ્બર 2020માં કંપની દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી.
શ્રીમતી રેમન્ડ-વિલિયમ્સના સંબંધીઓ પણ આ સ્થિતિ ધરાવે છે અને તેમણે ડિસ્લેક્સિયા ચેરિટી પણ સ્થાપી છે.
નવી નોકરીના માત્ર બે દિવસ, શ્રી પટેલને નેશનલ કોવિડ લોકડાઉનની જાહેરાત થયા પછી ઘરેથી કામ કરવું પડ્યું હતું. તેણે HRને પોતાનુ ભણતર પૂર્ણ કરવા માટે ફંડિંગ વિશે વારંવાર પૂછ્યું હતું પરંતુ તેનો જવાબ આપવામાં આવ્યો ન હતો. તેમને કામ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને સાથીદારોએ તેમની ક્ષમતા અને પ્રગતિના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેની ફંડીંગની માંગણીને બહુ બધી માંગણીઓ કરતો હોવાની અતિશયોક્તિ કરાઇ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
ટ્રિબ્યુનલે સાંભળ્યું હતું કે તે ‘ખૂબ જ ઉદ્ધત અને ખૂબ જ માગણી કરતો’ હોવાના દાવાઓ ‘અતિશયોક્તિપૂર્ણ’ હતા.
શ્રીમતી રેમન્ડ-વિલિયમ્સે માત્ર એક મહિના પછી 1 ડિસેમ્બર, 2020 ના રોજ તેને ડીસમીસ કરવાનું નક્કી કર્યું હતું અને સ્વીકાર્યું હતું કે તેણે ‘ડિસ્લેક્સિક વ્યક્તિને નોકરી આપવાનો ખોટો નિર્ણય’ લીધો હતો.
જજ હીથે ચુકાદો આપ્યો કે મિસ્ટર પટેલને તેમની ડિસ્લેક્સિયાના કારણે નોકરીમાંથી કાઢી મુકીને તેમની વિકલાંગતાના આધારે ભેદભાવ કરવામાં આવ્યો હતો, કંપનીએ ‘અચાનક વળાંક’ લેવા બદલ ટીકા કરી હતી.
તેને વળતર આપવા માટેની સુનાવણી પછીની તારીખે હાથ ધરવામાં આવશે.