પેગાસસ મુદ્દાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે રચેલી ત્રણ સભ્યોની ટીમમાં સાઇબર સિક્યોરિટી, ડિજિટલ ફોરેન્સિક, નેટવર્ક અને હાર્ડવેર ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ સમિતિની તપાસ પર સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રવીન્દ્રન દેખરેખ રાખશે.
આ તપાસ સમિતિમાં નવીન કુમાર ચૌધરી, પ્રબાહરણ પી અને અશ્વિન અનિલ ગુમાસ્તે જેવા જાણીતા નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ ટેકનિકલ સમિતિની તપાસની દેખરેખ માટે જસ્ટિસ રવીન્દ્રનને ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર આલોક જોશી અને સંદીપ ઓબેરોય મદદ કરશે. ટેકનિકલ સમિતિના પ્રથમ સભ્ય નવીન કુમાર ચૌધરી ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રોફેસર (સાઇબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ) અને ડીન છે.
બીજા સભ્ય પ્રબાહરણ પી કેરળની અમૃતાપૂરી ખાતેની અમૃતા વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર (સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ) છે. તેઓ કમ્પ્યૂટર સાયન્સ અને સિક્યોરિટીના ક્ષેત્રોમાં બે દાયકાનો વિશાળ અનુભવ ધરાવે છે. સમિતિના ત્રીજા સભ્ય ગુમાસ્તે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બેના ઇન્સ્ટીટ્યૂટ ચેર એસોસિયેટ પ્રોફેસર (કમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ) છે. તેમને અમેરિકામાં 20 પેટન્ટ મળ્યા છે.