ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપ દિગ્ગજ નેતા જશવંત સિંહનું લાંબી બિમારી બાદ રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 82 વર્ષ હતી. જસવંત સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. ઓગસ્ટ 2014માં ઘરમાં પડી જવાથી તેમની ઇજા થઈ હતી અને તે પછીથી તેઓ સતત બિમાર રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે જશવંત સિંહને તેમની બૌદ્ધિક ક્ષમતાઓ અને દેશની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જશવંત સિંહ 1960માં સેનામાં મેજરના પદ પરથી રાજીનામુ આપીને રાજકારણના મેદાનમાં ઉતર્યા હતા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં તે પોતાના કરિયરના ઉચ્ચ સ્થાને હતા. 1998થી 2004 સુધી એનડીએના શાસનકાળમાં જશવંત સિંહે નાણાં, રક્ષા અને વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કર્યુ હતું.
જશવંત સિંહનુ રાજકીય કારકિર્દી કેટલાક ઉતાર ચઢાવથી પસાર થયા અને વિવાદોમાં રહ્યા. 1999માં એર ઈન્ડિયાના અપહ્યુત વિમાનના મુસાફરોને છોડાવવા માટે આતંકવાદીઓ સાથે કંધાર જવા મામલે તેમની ઘણી ટીકા થઈ હતી. એનડીએ શાસન દરમિયાન જશવંત સિંહ હંમેશા અટલ બિહારી વાજપેયીના નજીકના નેતા માનવામાં આવતા હતા.2009 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા અને ગોરખાલેન્ડ માટે સંઘર્ષ કરનારા સ્થાનિક દળની રજૂઆત પર દાર્જિલિંગથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.