મથુરામાં સોમવાર, 30 ઓગસ્ટ 2021ના રોજ જન્માષ્ટના દિવસે ભગવાન દ્વારકાધિશના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા. (PTI Photo)

શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં સોમવાર, 30 ઓગસ્ટે જન્માષ્ટમીની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી ચાલુ થઈ હતી. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ મુજબ ભક્તો દ્વારા દર્શન કરવા માટે અવિરત પ્રવાહ ચાલુ થયો હતો. મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો પાલન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ લોકોની જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.

દ્વારકાનાં જગતમંદિરે રાત્રે 12 વાગ્યે પરંપરાગત કૃષ્ણજન્મ ઉત્સવ ઉજવાશે, જયારે 31 ઓગસ્ટે પારણા નોમ ઉત્સવ ઉજવાશે. રાજ્યભરના મંદિરોમાં સર્વત્ર ‘નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી..’નો નાદ ચાલુ થયો હતો.
આ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે કોરોનાનાં વિઘ્ન બાદ ચાલુ વર્ષે જન્માષ્ટમીની ઉજવણીની છૂટ મળતા શહેરો-ગામોમાં રોશની અને ભગવાન શ્રીકૃષ્ણના જીવન-કવન આધારિત પ્રતિકૃતિઓ સાથે સુશોભન નિહાળવા સેંકડો ભાવિકો ઉમટવા લાગ્યા હતા.

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં જગતમંદિરે જન્માષ્ટમીની ઉજવણી પહેલા રવિવારે 20 હજારથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. જગતમંદિર રોશનીના અનેરા શણગારથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિરની સુરક્ષા માટે 100 જેટલા પોલીસ અધિકારી અને 1200 પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ગોઠવવામાં આવ્યા હતા.

જન્માષ્ટમીનાં દિવસે સવારે 6 વાગ્યે શ્રીજીની મંગલા આરતી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ચાલુ થઈ હતી અને રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ આરતી દર્શન બાદ 2.30 વાગ્યે મંદિરનાં દ્વાર બંધ થશે. કાળિયા ઠાકોરને સોના-ચાંદીનાં તારથી ભરતકામ કરેલા હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા.

બન્ને દિવસો દરમિયાન સેંકડો ભાવિકો ગોમતીઘાટે પાવન સ્નાન કરીને જગતમંદિરે દર્શનનો ધર્મલાભ લેશે. એ જ રીતે બેટ દ્વારકામાં પણ જન્માષ્ટમી અને પારણા નોમ ઉજવાશે. રાજકોટમાં સાડા ત્રણ દાયકાથી ખૂબ ધામધૂમથી નીકળતી જન્માષ્ટમી શોભાયાત્રાનો 25 કિ.મી.નો રૂટ કોરોના ગાઈડલાઈન પ્રમાણે ટૂંકાવીને 10 કિ.મી.નો કરવામાં આવ્યો હતો.
સોમવારે રાજકોટ ઉપરાંત મોરબી, ખંભાળિયા, જામનગર, ધોરાજી, ટંકારા વગેરે સ્થળોએ શોભાયાત્રા નીકળશે. જો કે કોરોનાને ધ્યાને લઈને વાંકાનેર અને ગોંડલમાં આ વર્ષે શોભાયાત્રા યોજાશે નહીં.