જનધન એકાઉન્ટ યોજના હેઠળ ખોલવામાં આવેલા બેન્ક એકાઉન્ટમાં જમા રકમ વધી રૂ.1.5 લાખ કરોડના આંકને વટાવી ગઈ છે. સરકાર ગરીબો સુધી બેન્કિંગ સુવિધા પૂરી પાડવા માટે આશરે સાડા સાત વર્ષ પહેલા આ યોજના શરૂ કરી હતી.
કેન્દ્રીય નાણા મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ આશરે 44.23 કરોડ પ્રધાનમંત્રી જન ધનયોજનામાં કુલ જમા રકમ વધી ડિસેમ્બર 2021ના રોજ રૂ.1.50 લાખ કરોડને વટાવી ગઈ હતી.
નાણાકીય સર્વસમાવેશિતના રાષ્ટ્રીય મિશન માટેની આ સ્કીમને ગયા વર્ષના ઓગસ્ટમાં સાત વર્ષ પૂરા થયા હતા. પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ 2014ના રોજ સ્વાતંત્ર્ય દિનના સંબોધનમાં આ યોજનાની જાહેરાત કરી હતી.
નાણામંત્રાલયના ડેટા મુજબ કુલ 44.23 કરોડ એકાઉન્ટમાંથી 34.9 કરોડ એકાઉન્ટ સરકારી બેન્કોમાં ખોલવામાં આવ્યા હતા, જ્યારે 8.05 કરોડ બેન્ક એકાઉન્ટ પ્રાદેશિક ગ્રામીણ બેન્કોમાં ખોલવામાં આવ્યા હતા. બાકીના 1.28 કરોડ એકાઉન્ટ ખાનગી બેન્કોમાં છે. આ ઉપરાંત 31.28 કરોડ જનધન એકાઉન્ટ ધારકોને રૂપે ડેબિટ કાર્ડ જારી કરાયા છે. કુલ એકાઉન્ટમાંથી 24.61 કરોડ ખાતા મહિલાઓના નામે છે.