ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક જ વર્ષમાં પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા રાજય સરકારે જન અભિયાન ઉપાડયું છે. સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો જાહેર કર્યો છે. ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશ માટે પ્રેરણા પૂરી પાડશે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ માટે દેશનું મોડેલ સ્ટેટ બનશે.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી ત્રસ્ત બન્યું છે. ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા પાછળ પ્રાકૃતિક કૃષિનો ૨૪ ટકા ફાળો છે, તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિના કારણે જળ- જમીન અને પર્યાવરણ દૂષિત થઇ રહ્યા છે. રાસાયણિક ખાતરો- જંતુનાશકોને કારણે દૂષિત ખાદ્ય આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી અને ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતમાં કૃષિ ઉત્પાદન ઘટવાથી આ પધ્ધતિ ખેડૂતો માટે લાભદાયી નથી. રાસયાણિક કૃષિને કારણે કેન્દ્ર સરકારને સબસિડી પાછળ અઢી લાખ કરોડ રૂપિયાનો આર્થિક બોજ સહન કરવો પડે છે. પ્રાકૃતિક કૃષિને કારણે આ નાણાંની બચત થશે. તેમણે ફેમિલી ર્ડાક્ટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરવા અનુરોઘ કર્યો હતો.