અયોધ્યામાં પહેલી જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામમંદિર તૈયાર થઈ જવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 5 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી હોવાથી ભાજપના રાજકીય વિરોધીઓ અમિત શાહની આ જાહેરાતને એવો સંકેત માને છે કે ભાજપ લોકસભામાં ચૂંટણીમાં રામમંદિરને ફરી ચૂંટણી મુદ્દો બનાવશે.
ચાલુ વર્ષના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેવા પૂર્વીય રાજ્ય ત્રિપુરાના સબરૂમ ખાતે જાહેરસભા સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે “રાહુલ બાબા, સબરૂમમાંથી સાંભળો કે 1 જાન્યુઆરી, 2024 ના રોજ એક વિશાળ રામ મંદિર તૈયાર થઈ જશે.” તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને સામ્યવાદીઓએ લાંબા સમયથી રામ મંદિરના મુદ્દાને કોર્ટના અધિકારક્ષેત્રમાં રાખ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે મંદિર નિર્માણની પરવાનગી આપ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો.
અનેક વર્ષોની લાંબી કાનૂની લડાઈ પછી, સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર, 2019એ અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કર્યો હતો. 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. વડા પ્રધાને 5 ઓગસ્ટ, 2020ના રોજ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું.
ભાજપ 2024ની ચૂંટણીમાં રામંદિરને મુદ્દો બનાવશેઃ વિપક્ષ
કેન્દ્રીય પ્રધાનની આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેને “2024 માટે ચૂંટણી સૂત્ર” ગણાવતા જણાવ્યું હતું કે આપણા દેશને ઘેરી લેતી સમસ્યાઓ વિશે ચિંતા કરવાને બદલે, તેઓ આગામી ચૂંટણી માટે નારાની જાહેરાત કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે ભાજપે મંદિરના નિર્માણમાંથી રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સીપીઆઈ(એમ) રાજ્યસભાના સાંસદ વિકાસ ભટ્ટાચાર્યએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે સ્પષ્ટ છે કે ભાજપ “ધર્મ અને રામના નામે” દેશના લોકોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.