જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલા ઈન્ટરનેટના પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ રમન્નાએ ઓર્ડરમાં કહ્યું કે ઈન્ટરનેટની સ્વતંત્રતા આજના સમયમાં ખૂબ જ ખાસ છે. ઘણા બધા ધંધા-રોજગારો એવા હોય છે કે જે ઈન્ટરનેટના માધ્યમથી જ ચાલતા હોય છે. પરંતુ સ્વંતંત્રતા અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે.
પરંતુ સુપ્રીમ કોર્ટ કાશ્મીરના રાજકારણમાં હસ્તક્ષેપ નહીં કરે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વખત હિંસા જોવા મળી છે. એવામાં કાશ્મીરીઓના અધિકારોની પણ રક્ષા કરવી એટલી જ જરૂરી છે. બેન્ચે જમ્મુ કાશ્મીરના તંત્ર દ્વારા જે પ્રતિબંધો લદાયા છે તેની એક સપ્તાહમાં સમીક્ષા કરવા આદેશ કર્યો છે. કોર્ટે ઈન્ટરનેટનો ઉપયોગ અભિવ્યક્તિના અધિકાર હેઠળ હોવાનું માન્યું છે.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370ના વિશેષ અધિકારોનો અંત લાવ્યા બાદ અહીં લાદવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને અન્યએ અપીલ દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ એન વી રમન્ના, આર સુભાષ રેડ્ડી અને બી આર ગવઈની ત્રણ સભ્યોની ખંડપીઠે આ પ્રતિબંધોને પડકારતી અપીલો પર ગયા વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ સુનાવણી પૂર્ણ કરી હતી.
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી બંધારણની કલમ 370ને નાબૂદ કર્યા બાદ ત્યાં લાદવામાં આવેલા પ્રતિબંધોને 21 નવેમ્બરના રોજ યોગ્ય ગણવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું કે સરકારે સાવચેતી દાખવવા માટે લીધેલા આ પગલાના કારણે જ રાજ્યમાં એક પણ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો નથી પડ્યો તેમજ તેના કારણે જ એક પણ ગોળી નથી ચલાવવી પડી.
ગુલાબ નબી આઝાદ ઉપરાંત, કાશ્મીર ટાઈમ્સની કાર્યકારી એડિટર અનુરાધા ભસીન અને કેટલાક અન્યને ખીણમાં સંચાર વ્યવસ્થા ઠપ થવા સહિત અને પ્રતિબંધોને પડકારતી અપીલો દાખલ કરી હતી. કેન્દ્રએ કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો હવાલો આપતા કહ્યું હતું કે ઘણા વર્ષોથી સીમા પારથી આતંકવાદીઓને અહીં મોકલવામાં આવતા હતા.
સ્થાનિક ઉગ્રવાદી અને અલગતાવાદી સંગઠનોએ સમગ્ર વિસ્તારને બંદી બનાવીને રાખ્યો હતો અને આવી સ્થિતિમાં જો સરકાર નાગરિકોની સુરક્ષા માટે કોઈ સાવચેતીના પગલાઓ ન ભરે તો તે તેમની ‘મૂર્ખતા’ ગણાત. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના બંધારણની કલમ 370ના અનેક અધિકારો નાબૂદ કરી દીધા હતા.