કલમ 370ની નાબૂદી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, (24 એપ્રિલે)એ પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી હતી. તેમણે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો અને સામ્બામાં 108 જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને 500 કિલોવોટના સોલર પાવર પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે દેશભરમાંથી સામેલ થયેલા સભ્યોને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઘણી શુભેચ્છા. આજે જમ્મુ કાશ્મીરના વિકાસને ગતિ આપવા માટેનો એક મોટો દિવસ છે.
મોદીએ જણાવ્યું હતું કે મારા માટે ખુશીની વાત એ છે કે આજે અહીં કનેક્ટિવિટી અને વીજળી ક્ષેત્ર સંબંધિત રૂ.20,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે.આજે ઘણા ગામોના પરિવારોને તેમના ઘરના પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે. આ 100 જન ઔષધિ કેન્દ્રો જમ્મુ કાશ્મીરના ગરીબ અને મધ્યવર્ગના લોકોને સસ્તી દવા અને સસ્તાં સર્જિકલ સામાન પૂરો પાડવાનું માધ્યમ બનશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આ વખતે જમ્મુ કાશ્મીરમાં પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ રહી છે, જે મોટા પરિવર્તનનું પ્રતિક છે. જમ્મુ કાશ્મીરમાં લોકતંત્ર ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચ્યું છે તે ગર્વની વાત છે. અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ કરી રહ્યો છું.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં 2થી 3 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં વિકાસના નવા સિમાસ્થંભ સ્થાપિત થયા છે. કેન્દ્ર સરકારના આશરે 175 કાયદા અહીં લાગુ પડતા ન હતા. અમે જમ્મુ કાશ્મીરના દરેક નાગરિકોને સશક્ત બનાવવા માટે આ કાયદાનો અમલ ચાલુ કર્યો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે દાયકાઓથી વાલ્મિકી સમાજ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા, જેને આજે દૂર કરવામાં આવ્યા છે. આજે દરેક સમાજના યુવક અને યુવતીઓ પોતાના સપના પૂરા કરી રહ્યાં છે.જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી જે લોકોને અનામતનો લાભ મળતો ન હતો તેમને હવે અનામતનો લાભ મળવા લાગ્યો છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આઝાદીનો અમૃતકાળ એટલે કે આગામી 25 વર્ષોમું નવું જમ્મુ કાશ્મીર વિકાસની નવી કહાની લખશે. આઝાદીના સાત દાયકા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં માત્ર 17,000 કરોડનું ખાનગી રોકાણ થયું છે. આની સામે છેલ્લાં બે વર્ષમાં આ આંકડો રૂ.38,000 કરોડે પહોંચ્યો છે.
મને ખુશી થઈ છે કે આજે 500 કિલોવોટનો સોલર પાવર પ્લાન્ટ માત્ર 3 સપ્તાહમાં સ્થાપિત થઈ જાય છે અને વીજળીનું ઉત્પાદન ચાલુ કરે દે છે. તેમણે જણાવ્યું હતું કે હું જમ્મુ કાશ્મીરના યુવકોને કહેવા માગું છું કે તમારા માતાપિતા, દાદી-દાદી અને નાના-નાનીને જે મુસીબતો સાથે જીવન જીવવું પડ્યું હતું તેવી મુસીબતો સાથે તમારે જીવવવું પડશે નહીં, તે હું તમને કરીને બતાવીશ.
તેમણે જણાવ્યું હતું કે હવે બનિહાલ કાંજીગુંડસ ટનલથી જમ્મુ અને શ્રીનગરનું અંતર બે કલાક ઘટી જશે. ઉધમપૂર-શ્રીનગર-બારામુલ્લાને લિન્ક કરતો આકર્ષક આર્ક બ્રિજ પણ ટૂંકસમયમાં તૈયાર થઈ જશે. દિલ્હી-અમૃતસર-કટરા હાઇવેથી દિલ્હીથી માતા વૈષ્ણોદેવીના દરબારનું અંતર ઘટી જશે.