ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમિલનાડુની પરંપરાગત જલ્લીકટ્ટુ અને મહારાષ્ટ્રની બળદગાડાની દોડને એક રમત તરીકે કાનૂની માન્યતા આપી હતી. ઘણા સમયથી ચાલતા જલ્લીકટ્ટુના વિવાદ પછી સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, તમિલનાડુનો પશુઓ સાથેની ક્રૂરતા સંબંધી કાયદો (એમેન્ડમેન્ટ), ૨૦૧૭ તેમને થતી પીડાને ઘણી ઓછી કરે છે. કોર્ટે મહારાષ્ટ્રમાં થતી બળદગાડાની દોડની માન્યતા પણ યથાવત રાખી હતી. જલ્લીકટ્ટુની રમત બળદ કે આખલાનો ઉપયોગ કરાય છે. જેનું આયોજન પોંગલ વખતે કરવામાં આવે છે.
તમિલનાડુના કાયદા પ્રધાન એસ રઘુપતિએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અમારી પરંપરા અને સંસ્કૃતિની રક્ષા થઈ છે. પશુ અધિકાર કાર્યકરોએ સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે નારાજગી દર્શાવી હતી.જલ્લીકટ્ટુ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પીપલ ઓફર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA)એ જણાવ્યું હતું કે, તે અન્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, PETAની આગેવાની પશુઓના હક માટે લડતા સંગઠનોએ સર્વોચ્ચ અદાલતના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.