જલારામ મંદિર, લેસ્ટરની 25મી વર્ષગાંઠ પ્રસંગે જલારામ જયંતિની વિશ્વવ્યાપી ઉજવણી વિશ્વભરના 75થી વધુ જલારામ મંદિરોમાં વર્ચ્યુઅલી કરવામાં આવી હતી. જેમાં ભારતના 1 મિલીયનથી વધુ શ્રદ્ધાળુઓ અને આફ્રિકા, યુએસએ, કેનેડા, યુરોપના 200,000થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, વિવિધ સંતો, સંસદસભ્યો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા સંદેશાઓ પ્રાપ્ત થયા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર લેસ્ટરના ચેરમેન પ્રમોદભાઇ ઠક્કરને તા. 16 નવેમ્બરના રોજ પત્ર પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ પત્રમાં જણાવ્યું હતું કે જલારામ બાપાની સાદગી, પ્રેમ અને દયાભાવે આપણને સૌને સતત પ્રેરણા આપી છે. જલારામ બાપાના સિધ્ધાંતોને અનુસરીને જલારામ મંદિર લેસ્ટર ધાર્મિક – સાસ્કૃતિક પરંપરાને વેગ આપે છે તેમજ ગરીબ અને જરૂરતમંદ લોકો માટે બહુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી લઇને શિક્ષણ અને અન્ય સખાવતી કાર્યો કરી તેમના જીવન પર અમીટ છાપ છોડે છે તે જ તો બાપાનો જીવન સંદેશ છે.
કોરોના રોગચાળા દરમિયાન સમગ્ર વિશ્વના જલારામ મંદિરને એકત્ર કરી બાપાનો સંદેશ વર્ચ્યુઅલી ફેલાવવો અને આ મશ્કેલીઓમાંથી બહાર આવવું તે ટ્રસ્ટનું સ્પીરીટ બતાવે છે. જલારામ જયંતિની ઉજવણી ખાસ કરીને યુવાનો અને ડાયસ્પોરાને આપણી સંસ્કૃતિ સાથે જોડવાની તક આપશે અને બાપાએ બતાવેલા માર્ગને અનુસરવાનો લાભ આપશે.
આસ્થા ટીવી પર યોજાયેલા આ કાર્યક્રમની હાઇલાઇટ્સનો પણ લોકોએ વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લાભ લીધો હતો.