યુ.કે.માં જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા જૈન અગ્રણીઓ અને બિઝનેસ લીડર્સ સાથે લેબર પક્ષના નેતા સર કેર સ્ટાર્મરની એક બેઠકનું આયોજન તા. 13મા માર્ચના રોજ સેન્ટ્રલ લંડનના પોર્ટકુલીસ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. પરંતુ સંજોગોવશાત સર સ્ટાર્મર ઉપસ્થિત રહી ન શકતા ગેરેથ થોમસ, એમપી અને સારાહ ઓવેન, એમપી બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં લેબર નેતાઓએ લેબર પક્ષ વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓના લોકો સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સુક છે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં લેબર પાર્ટીના બેરોનેસ શેરલોક OBEની ઓફિસમાંથી અન્ય અગ્રણી ડૉ. રસેલ રૂક તથા લેબર પાર્ટીના હેડ ઓફ એક્સ્ટર્નલ રીલેશન્સ એન્ડ સ્ટેકહોલ્ડર્સ હરજીત સહોતા ઉપસ્થિત રહ્યા હતા. સર સ્ટાર્મરના ડાયરેક્ટર ઓફ એક્સટર્નલ રિલેશન્સે મીટીંગમાં હાજરી આપી બેઠકમાં રજૂ કરાયેલ જરૂરિયાતો અને સૂચનોની નોંધ લીધી હતી. બન્ને એમપીઓએ કહ્યું હતું કે લેબર પાર્ટી તરફથી ઇન્ડીક ધાર્મિક સંસ્થા સાથેની આ પ્રથમ મીટિંગ છે અને અમને ખાતરી છે કે હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે સમુદાયો લેબર પાર્ટીને માન્યતા આપવા માટે પક્ષનો સંપર્ક કરશે જેથી અમે તેમને પણ મદદ કરી શકીએ.
આ બેઠકમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી (IOJ)ના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. મેહુલ સંઘરાજકા, ટ્રસ્ટીઓ સર્વ શ્રી જયસુખ મહેતા, દિલીપ શાહ, હિમાંશુ જૈન, જય પુનાતર, જૈન સેન્સસના સમીર જુઠાણી; વન જૈન વતી ઓશવાળ એસોસિએશન ઓફ યુકેના રૂમીત શાહ, મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ નિરજ સુતરીઆ, જૈન વિશ્વભારતીના ટ્રસ્ટી રાજેશ જૈન તથા નવનાત વણિક એસોસિએશનના ટ્રસ્ટી સંગીતા બાવીશા તેમજ શાનીલ ગૃપના દિલેશભાઇ મહેતા તથા સીગ્મા ફાર્માસ્યુટિકલના ડૉ. ભરતભાઇ શાહ, CBE ઉપસ્થિત રહ્યા હતા.
જૈન અગ્રણીઓ દ્વારા યુકેના વિવિધ ક્ષેત્રમાં જૈન સમુદાય દ્વારા આપવામાં આવેલ યોગદાન, જાહેર જનજીવન, પ્રોફેશન, બિઝનેસ વગેરે ક્ષેત્રે જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ, જૈન સમુદાયની શાંતિપ્રિય વિચારસરણી, અહિંસા અને પર્યાવરણ વગેરે અંગે માહિતી આપવામાં આવી હતી.
ભરતભાઇ શાહે યુકેની હોસ્પિટલોમાં જૈનોની જરૂરીયાત અંગે ધ્યાન આપવા અને શિક્ષણ બાબતે રજૂઆતો કરી હતી.