પ્રદૂષણની સમસ્યાને કારણે દિલ્હીવાસી આ દિવાળીએ પણ ફટાકડા ફોડી શકશે નહીં. દિવાળી પર ફટાકડા ફોડવા બદલ છ મહિના સુધીની જેલ અને રૂ.200 દંડ થશે. રાજધાનીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરવાથી પણ રૂ.5,000 સુધીના દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે, એમ પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું.
સપ્ટેમ્બરમાં સરકારે 1 જાન્યુઆરી સુધી તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર ફરીથી સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો, પ્રદૂષણની સમસ્યાને કારણે કેજરીવાલ સરકાર છેલ્લા બે વર્ષથી આવા નિયંત્રણો મૂકી રહી છે.
ગોપાલ રાયે જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરના રોજ દિયે જલાઓ પતાકે નહીં નામનું જનજાગૃતિ અભિયાન શરૂ કરાશે. દિલ્હી સરકાર શુક્રવારે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 51,000 દીવાઓ પ્રગટાવશે. પ્રતિબંધના અમલ માટે 408 ટીમો બનાવવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું હતું કે 16 ઓક્ટોબર સુધીમાં ઉલ્લંઘનના 188 કેસ શોધી કાઢવામાં આવ્યા છે અને 2,917 કિલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે.
નીચા તાપમાન અને પવનની ઝડપ જેવા પરિબળોને કારણે ઓક્ટોબરથી દિલ્હી અને પડોશી વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ થવાનું શરૂ થાય છે. ફટાકડા અને પડોશી રાજયોમાં પરાલી સળગાવવાથી પ્રદૂષણની સમસ્યા ઘેરી બને છે. દર વર્ષે દિવાળીની આસપાસ પ્રદૂષણનું સ્તર વધે છે. તેનું મુખ્ય કારણ ફટાકડા છે.